રાજકોટ-ચોટીલા નેશનલ હાઇવે પર ગેરકાયદેસર બાયો ડીઝલના વેચાણનું એક મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. ચોટીલાના પ્રાંત અધિકારીની ટીમે હાઇવે પર આવેલી બે હોટલમાં દરોડા પાડીને 43,250 લીટર બાયો ડીઝલ ભરેલા ટેન્કર સહિત ₹70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે નેશનલ હાઇવે પરની કેટલીક હોટલોમાં સબસીડીવાળા ડીઝલનો દુરુપયોગ કરીને ગેરકાયદે બાયો ડીઝલનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે, પ્રાંત અધિકારી મકવાણાએ તાત્કાલિક દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.


ચોટીલામાંથી બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો 

રેડ દરમિયાન જાણવા મળ્યું કે, હાઇવે પર આવેલી બે હોટલમાં આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હતી. બાયો ડીઝલનો આ જથ્થો છુપાવવા માટે આરોપીઓએ એક અનોખી તરકીબ અપનાવી હતી. તેમણે હોટલના રસોડાની નીચે જ બે મોટા ટાંકા બનાવી દીધા હતા, જેમાં ગેરકાયદે બાયો ડીઝલનો સંગ્રહ થતો હતો અને ત્યાંથી જ તેનું વેચાણ થતું હતું.

હોટલના રસોડામાં ચોરખાનું બનાવી જથ્થો સંતાડ્યો

પ્રાંત અધિકારીની ટીમે સ્થળ પરથી 43,250 લીટર બાયો ડીઝલ અને તેને લાવવા-લઈ જવા માટે ઉપયોગમાં લેવાતું એક ટેન્કર જપ્ત કર્યું હતું, જેની કુલ કિંમત ₹70 લાખથી વધુ આંકવામાં આવી છે. ગેરકાયદે વેચાણ થતું હોવાથી આ બંને હોટલોને તાત્કાલિક સીલ મારી દેવામાં આવ્યું છે. વહીવટીતંત્ર દ્વારા આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

  • Follow us on: