વડોદરા શહેરમાં 4 વર્ષના લાંબા સમયગાળા બાદ ફરી એકવાર કોરોના વાયરસની એન્ટ્રી થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શહેરની સયાજીરાવ ગાયકવાડ (SSG) હોસ્પિટલમાં એક સંક્રમિત દર્દી મળી આવતાં હોસ્પિટલ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. આ ઘટનાને પગલે વડોદરા અને આસપાસના વિસ્તારોમાં આરોગ્ય વિષયક સાવચેતી વધારી દેવામાં આવી છે.
પેટલાદના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
મળતી માહિતી મુજબ, સંક્રમિત થયેલો યુવક આણંદ જિલ્લાના પેટલાદનો નિવાસી છે. યુવકમાં કોરોના જેવા શંકાસ્પદ લક્ષણો જોવા મળતાં તેના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. તપાસના અંતે યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને વધુ સારવાર માટે તાત્કાલિક વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
