અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળી આવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટાંકીની નિયમિત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી તે દરમિયાન સફાઈ કર્મચારીઓને ટાંકીના તળિયેથી માનવ કંકાલ મળી આવ્યો હતો. પીવાના પાણીની ટાંકીમાંથી નરકંકાલ મળી આવતાં જ સફાઈ કામદારો સ્તબ્ધ થઈ ગયા હતા અને તુરંત જ સ્થાનિક તંત્ર તથા પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરતાં જ સમગ્ર વિસ્તારમાં સનસનાટી અને અરેરાટી વ્યાપી ગઈ હતી.

ખોપડી અને શરીરના હાડકાં કબ્જે કરી FSL માં મોકલાયા

બનાવની ગંભીરતાને ધ્યાને લઈને શાહીબાગ પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ટાંકીમાંથી માનવ કંકાલની ખોપડી તથા શરીરના અન્ય હાડકાંઓ સુરક્ષિત રીતે બહાર કાઢીને કબ્જે લીધા હતા. આ નરકંકાલ કેટલો જૂનો છે અને મૃતક પુરુષ છે કે સ્ત્રી તે પ્રાથમિક દ્રષ્ટિએ નક્કી થઈ શકે તેમ ન હોવાથી, શાહીબાગ પોલીસે તમામ અવશેષોને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે ચકાસણી અર્થે મોકલી આપ્યા છે. FSL રિપોર્ટ આવ્યા બાદ જ વધુ વિગતો પ્રકાશમાં આવશે.

રહસ્યમય મોત કે હત્યા? શાહીબાગ પોલીસે તપાસ તેજ કરી

અસારવા પાણીની ટાંકીમાં આ માનવ કંકાલ ક્યાંથી અને કેવી રીતે આવ્યો તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ કોઈ દુર્ઘટના છે, આત્મહત્યા છે કે પછી હત્યા કરીને પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી મૃતદેહને ટાંકીમાં ફેંકી દેવામાં આવ્યો હતો તે અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે. શાહીબાગ પોલીસ દ્વારા ભૂતકાળમાં નોંધાયેલા મિસિંગ (ગુમશુદા) કેસોની વિગતો ચકાસવામાં આવી રહી છે, જેથી મૃતકની ઓળખ છતી થઈ શકે. એફએસએલ તપાસ અને ડીએનએ પ્રોફાઇલિંગ બાદ આ રહસ્ય પરથી પર્દો ઊંચકાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Rajkotમાં ટેકાના ભાવે મગફળી વેચવા 52,800 થી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન, સોયાબીનમાં પણ મોટો પ્રતિસાદ