ગુજરાતમાં જુદા જુદા ત્રણ સ્થળોએ સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં વડોદરાના એક પીએસઆઈ સહિત કુલ 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.ભરૂચ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર, ગાંધીનગરના અડાલજ પાસે તેમજ બનાસકાંઠામાં પાલનપુર ડીસા હાઈવે પર વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત

ભરૂચ નજીક આવેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.વડોદરા તરફથી ભરૂચ તરફ આવી રહેલી એક કારને મનુબર ગામ નજીક આઈસર ટેમ્પો સાથે જોરદાર ટક્કર વાગી હતી.આ અકસ્માતમાં કારમાં સવાર ચાર વ્યક્તિઓ પૈકી 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં વડોદરા શહેરના 27 વર્ષીય પીએસઆઈ યશ પટેલનો પણ સમાવેશ થાય છે. આઈસર ટેમ્પો અને કાર વચ્ચે બનેલા આ ગંભીર બનાવને પગલે હાઈવે પર લોકો દોડી આવ્યા હતા.આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

અડાલજ પાસે કાર ઝાડ સાથે અથડાઈ

ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી મહારાજા હોટલ પાસે પણ એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો.પૂરપાટ ઝડપે દોડી જતી એક કાર અચાનક માર્ગની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી.આ અથડામણમાં કારમાં બેઠેલા 3 લોકોના  મૃત્યુ થયા હતા.આ ઉપરાંત કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.કારમાં સવાર લોકો રાત્રિ દરમિયાન ગરબા રમીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ચાલકને અચાનક ઝોકું આવી જતાં કાર પરનો કાબૂ ગુમાવી દેવાયો હતો.અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહારાજા હોટલ નજીક બનેલી આ ઘટનામાં બે લોકોના જીવ ગયા છે. જ્યારે બે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માતની આ કરુણ દુર્ઘટના અંગે અડાલજ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે.

પાલનપુર ડીસા હાઈવે પર બાદરપુરા પાટિયા નજીક અકસ્માત

ત્રીજી દુર્ઘટના બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ડીસા હાઈવે પર બાદરપુરા પાટિયા નજીક બની હતી.એક અજાણ્યા વાહને પેસેન્જર રિક્ષાને જોરદાર ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા હતા.એક પરિવાર પાલનપુર ખાતેથી પોતાની જરૂરી સારવાર કરાવીને પરત ડીસા તરફ જઈ રહ્યો હતો ત્યારે બાદરપુરા પાટિયા નજીક આ અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં ડીસા તાલુકાના સોડિયા ગામના વતની એવા પતિ અને પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.જ્યારે સોતમલા ગામના રિક્ષા ચાલકનું પણ આ ગોઝારી દુર્ઘટનામાં પ્રાણપંખેરું ઊડી ગયું હતું.રિક્ષાને જોરદાર ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને તાત્કાલિક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.સમગ્ર બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગઢ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજકોટ બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર, જાણો તાપમાનનો પારો કેટલો ઊંચકાશે?