અમદાવાદ શહેરમાં બેફામ વાહનચાલકોની ઓવરસ્પીડ અને ટ્રાફિક નિયમોના લીરેલીરે ઉડી રહ્યા છે. જેને કારણે અકસ્માતોની વણઝાર અટકવાનું નામ નથી રહી. રફતારના રાક્ષસ તથ્ય પટેલ દ્વારા નિર્દોષ લોકોને આ બ્રિજ પર કચડી નાંખ્યા હતાં. ત્યાર બાદ ફરી એકવાર બેફામ રફતારનો કહેર જોવા મળ્યો છે.જ્યાં ઓવરસ્પીડમાં આવી રહેલી એક કાર ડાયવર્ઝન બોર્ડ સાથે ધડાકાભેર અથડાવાની ગંભીર ઘટના સામે આવી છે.આ અકસ્માતે એકવાર ફરીથી બ્રિજ પરની સુરક્ષા વ્યવસ્થા અને તંત્રની પોકળ દાવાઓની પોલ ખોલી નાખી છે.આજે વહેલી સવારથી આ બ્રિજ પર એક જ જગ્યાએ બે અકસ્માત સર્જાયા છે.

કર્ણાવતી બ્રિજની કામગીરી અને ઈસ્કોન બ્રિજનું જોખમી ડાયવર્ઝન

હાલમાં કર્ણાવતી બ્રિજ પર ચાલી રહેલી મરામત અને નિર્માણ કામગીરીના કારણે વાહનવ્યવહાર માટે ઈસ્કોન બ્રિજ પર વિશેષ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.આ ડાયવર્ઝન પર પૂરતી સાવચેતી કે યોગ્ય બેરિકેડિંગના અભાવે તે વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યું છે.આ બ્રિજ પર ફૂલ સ્પીડમાં આવી રહેલી કારનાચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી ડાયવર્ઝન બોર્ડ સાથે અથડાઈ હતી જેના કારણે મોટો અકસ્માત સર્જાતા અટક્યો હતો અને કારચાલકનો આબાદ બચાવ થયો હતો.

અમદાવાદ અકસ્માત

ટ્રક ચાલકે બેરિકેટ્સ તોડ્યા

માત્ર કાર જ નહીં પરંતુ ઈસ્કોન બ્રિજ પર ભારે વાહનોની બેફામ ગતિ પણ જોખમરૂપ બની છે.20 વર્ષીય સુનિલ પરીખ નામના ચાલકે પૂરપાટ ઝડપે હંકારી રહેલી ટ્રક દ્વારા ડાયવર્ઝનના બેરિકેટ્સ તોડી નાખ્યા હોવાનો બનાવ બન્યો હતો.ઈસ્કોન બ્રિજ પર અગાઉ બનેલી દર્દનાક તથ્ય પટેલ કાર અકસ્માતની યાદો હજુ લોકોના માનસપટ પર તાજી છે છતાં પણ તંત્ર દ્વારા બ્રિજ પર સ્પીડ કંટ્રોલ કરવા કે સુરક્ષા વધારવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.અકસ્માતો બાદ તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવવાના અને સ્પીડ બ્રેકર મૂકવાના મોટા દાવા કરવામાં આવે છે. પરંતુ હકીકત જોતાં આ તમામ દાવાઓ માત્ર પોકળ સાબિત થઈ રહ્યા છે.

ઈસ્કોન બ્રિજ અકસ્માત

નાગરિકોમાં રોષ અને તંત્રની બેદરકારી સામે સવાલો

ઈસ્કોન બ્રિજ પર વારંવાર સર્જાતા અકસ્માતોને કારણે સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ડાયવર્ઝન વાળા આ પટ્ટા પર પૂરતી લાઈટિંગ, રિફ્લેક્ટર બોર્ડ અને સ્પીડ બ્રેકર ન હોવાના કારણે રાત્રિના સમયે અકસ્માતનું જોખમ અનેકગણું વધી જાય છે.જો વહેલી તકે ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા અહીં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં નહીં આવે તો કોઈ મોટી માનવ તારાજી સર્જાઈ શકે છે.તંત્રની આ પ્રકારની ઘોર બેદરકારી ક્યારે અટકશે અને બેફામ ચાલકો સામે ક્યારે દાખલારૂપ કાર્યવાહી થશે તેવા અનેક ગંભીર સવાલો આજે જાગૃત નાગરિકો દ્વારા પૂછવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચોઃ Gandhinagar News : ગુજરાતમાં વૈજ્ઞાનિકો સૂર્યનું રહસ્ય ઉકેલવા લાગ્યા, કૃત્રિમ સૂરજ બનાવવા માટે સંશોધન શરૂ