બોલિવૂડ થ્રિલર 'દ્રશ્યમ' ની યાદ અપાવે તેવી એક ભયાનક સત્ય ઘટના અમદાવાદમાં આવી છે. અહીં હત્યાના એક વર્ષ પછી પોલીસે એક પુરુષના અવશેષો શોધી કાઢ્યા છે. આ પુરુષની હત્યા તેની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને કરી હતી. તેણીએ દાવો કર્યો હતો કે તે પૈસા કમાવવા માટે બહાર ગયો હતો. જ્યારે મૃતદેહને ઘરના રસોડામાં ફ્લોર ખોદીને દાટી દેવામાં આવ્યો હતો. તેના ઉપર ટાઇલ્સ નાખવામાં આવી હતી. જોકે, એક વર્ષ પછી, જ્યારે હત્યાનું ચોંકાવનારું રહસ્ય ખુલ્યું ત્યારે બધા ચોંકી ગયા. ખાસ વાત એ છે કે સમીરે રૂબી સાથે પ્રેમમાં લગ્ન કર્યા હતા.
અમદાવાદમાં પતિની હત્યારી પત્ની ઝડપાઇ
શહેરના સરખેજ વિસ્તારમાં આવેલી ફતેવાડીમાં સવા વર્ષ પહેલાં ગુમ થયેલા એક વ્યક્તિની હત્યાનો સનસનાટીપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આ ગુનાનો ભેદ ઉકેલીને મૃતકની પત્ની સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય આરોપી તેનો પ્રેમી છે. પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી, તેના મૃતદેહને ઘરમાં જ દફનાવી દીધો હતો.
ફતેવાડીમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી
ફતેવાડીમાં રહેતા સમીર અન્સારી (સમીર બિહારી) છેલ્લા સવા વર્ષથી ગુમ હતા. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે, સમીરની પત્ની રૂબીને તેના જ પડોશમાં રહેતા ઇમરાન વાઘેલા સાથે પ્રેમસંબંધ હતો. આ સંબંધની જાણ સમીરને થતાં તે રૂબી સાથે ઝઘડા કરી અત્યાચાર ગુજારતો હતો, જેના કારણે તે બંનેના પ્રેમસંબંધમાં કાંટો બની રહ્યો હતો. આથી, રૂબી અને ઇમરાને મળીને સમીરને કાયમ માટે રસ્તામાંથી હટાવી દેવાનું કાવતરું ઘડ્યું.
ઘરમાં જ હત્યા કરી, મૃતદેહ દાટી દીધો
હત્યાના પ્લાન મુજબ, રૂબી, ઇમરાન વાઘેલા અને તેના બે પિતરાઈ ભાઈઓ રહીમ ઉર્ફે સાહિલ શેખ અને મોહસીન ઉર્ફે ફેઝાન પઠાણએ મળીને હત્યાને અંજામ આપ્યો. સમીર જ્યારે રાત્રે એક વાગ્યાના અરસામાં ઘરમાં સૂતો હતો, ત્યારે ઇમરાન છરી લઈને આવ્યો હતો અને અન્ય આરોપીઓની મદદથી તેનું ગળું કાપી હત્યા નીપજાવી હતી. હત્યા સમયે સમીરના બંને દીકરાઓ ઘરમાં જ હાજર હતા. હત્યા બાદ રહીમ અને મોહસીન ભાગી ગયા, જ્યારે રૂબી અને ઇમરાને બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે કડિયાકામ માટેના સાધનોનો ઉપયોગ કરીને ઘરમાં જ ખાડો ખોદ્યો અને સમીરના મૃતદેહને દાટી દઈ, તેના પર ટાઇલ્સ લગાવી દીધી હતી.
સુરત ભાગી જઈ બીજા લગ્ન કર્યા
હત્યા બાદ રૂબી અને ઇમરાન, સમીરના બંને દીકરાઓને લઈને તરત જ સુરત ભાગી ગયા હતા. ઇમરાને ત્યાં રૂબી સાથે લગ્ન પણ કર્યા. જોકે, થોડા સમય બાદ તેમને લાગ્યું કે ભેદ ખૂલશે નહીં, તેથી તેઓ ફતેવાડીની અન્ય સોસાયટીમાં પાછા આવીને સાથે રહેવા લાગ્યા. સવા વર્ષ બાદ ઇમરાનની ધરપકડ થતાં સમગ્ર ગુનાનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાન્ચે રૂબી, ઇમરાન, રહીમ અને મોહસીન તમામ આરોપીઓના રિમાન્ડ મેળવી હત્યામાં વપરાયેલ હથિયાર અને અન્ય પુરાવા એકઠા કરવાની કાર્યવાહી હાથ ધરી છે.