ગુજરાતમાં સરકાર એવી ગુલબાંગો ફૂંકે છે કે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ છે. સરકારની આ ગુલબાંગો સામે ACBનો ડેટા મોટો પર્દાફાશ કરી રહ્યો છે. આમતો રોજ બરોજ બે ત્રણ કર્મચારીઓ લાંચ લેતા પકડાતા હોય છે. પરંતુ એસીબીએ જાહેર કરેલા ડેટામાં મોટો આંકડો સામે આવ્યો છે. સરકારી કચેરીઓમાં પ્રજાના કામ કરાવવા માટે હવે માત્ર સરકારી બાબુઓ જ નહીં પરંતુ વચેટિયાઓ પણ સક્રિય થયા છે.એક સમયે સરકારી અધિકારીઓ સીધી લાંચની માંગણી કરતા હતા, પરંતુ હવે લાંચ લેવાની પદ્ધતિમાં નવો ટ્રેન્ડ સામે આવી રહ્યો છે. કન્સલ્ટન્ટની ફી, પ્રોફેશનલ ચાર્જ અને અન્ય સેવાઓના નામે લાંચની રકમ વસૂલવામાં આવતી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. 

2026માં અત્યાર સુધીમાં કુલ 183 ગુનાઓ નોંધાયા

ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે ACBએ વર્ષ 2026 દરમિયાન કાર્યવાહી તેજ બનાવી છે.લાંચ લેતા સરકારી બાબુઓ અને ખાનગી વચેટિયાઓ સામે ACBએ કાર્યવાહી કરી છે.ACBના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2026માં અત્યાર સુધીમાં કુલ 183 ગુનાઓ નોંધાયા છે.જ્યારે કુલ 275 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ કાર્યવાહીમાં અંદાજે 1 કરોડ 30 લાખ રૂપિયાની લાંચની રકમ પકડાઈ છે.જો વિભાગવાર ભ્રષ્ટાચારના આંકડાની વાત કરીએ તો પ્રથમ ક્રમે ગૃહ વિભાગ છે.ગૃહ વિભાગમાં 48 ગુનાઓ નોંધાયા છે અને 78 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.બીજા ક્રમે પંચાયત વિભાગ છે.જેમાં 34 ગુનાઓ નોંધાયા છે અને 48 આરોપીઓ ઝડપાયા છે.જ્યારે ત્રીજા ક્રમે મહેસૂલ વિભાગ છે.મહેસૂલ વિભાગમાં 29 ગુનાઓ નોંધાયા છે અને 40 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ આંકડા દર્શાવે છે કે પ્રજાના રોજિંદા કામકાજ સાથે સીધો સંબંધ ધરાવતા વિભાગોમાં પણ ભ્રષ્ટાચારનું પ્રમાણ વધારે છે. 

વચેટિયાઓની ભૂમિકા પણ તપાસનો મહત્વનો વિષય

ACBની કાર્યવાહીમાં ઝડપાયેલા આરોપીઓના હોદ્દા પર નજર કરીએ તો સરકારી તંત્રમાં વિવિધ સ્તરે ભ્રષ્ટાચારનું ચિત્ર સામે આવે છે.ખાસ વાત એ છે કે ઝડપાયેલા આરોપીઓમાં 127 ખાનગી વ્યક્તિઓનો સમાવેશ થાય છે.એટલે કે ભ્રષ્ટાચારના ખેલમાં ખાનગી વ્યક્તિઓ અને વચેટિયાઓની ભૂમિકા પણ તપાસનો મહત્વનો વિષય બની રહી છે.એક સમયે સરકારી કચેરીમાં કામ અટકાવીને સીધી લાંચની માંગણી કરવામાં આવતી હતી.પરંતુ હવે લાંચ લેવાની પદ્ધતિમાં બદલાવ જોવા મળી રહ્યો છે.સરકારી અધિકારીઓ સીધી લાંચ માંગવાને બદલે વચેટિયાઓ મારફતે વ્યવહાર કરતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.કેટલાક કિસ્સાઓમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા વ્યક્તિઓ દ્વારા ફીના નામે વધારાની રકમ વસૂલવામાં આવતી હોવાની ફરિયાદો અને તપાસ સામે આવી છે.

1349 કેસમાં દોષ સાબિત થઈ શક્યો નથી

આવા વચેટિયાઓ સરકારી અધિકારીઓ સુધી લાંચની રકમ પહોંચાડવાનું માધ્યમ બન્યા છે જેથી ACB ની ટીમે આ મુદ્દે તપાસ શરૂ કરી છે.લાંચ લેવી અને આપવી બંને ગુનો છે.એસીબી દ્વારા લાંચિયા અધિકારીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવે છે અને તેમની સામે કેસ પણ નોંધવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે એસીબી દ્વારા નોંધાયેલા કેસોમાંથી કોર્ટમાં કેટલા કેસ સાબિત થાય છે? અને કેટલા લાંચિયા અધિકારીઓને ખરેખર સજા થાય છે? છેલ્લા 16 વર્ષના આંકડા પર નજર કરીએ તો માત્ર 31 ટકા કેસમાં જ દોષ સાબિત થયો છે.છેલ્લા 16 વર્ષના એટલે કે 2010થી 2026 સુધીનાં આંકડા પ્રમાણે કુલ 1955 કેસમાંથી માત્ર 606 કેસમાં દોષ સાબિત થયો છે.જ્યારે 1349 કેસમાં દોષ સાબિત થઈ શક્યો નથી.31 ટકા કેસમાં જ કન્વિક્શન મળ્યું છે. 

જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં પણ કન્વિકશન રેટ 33 ટકા

છેલ્લા પાંચ વર્ષના એટલે કે 2021થી 2026ના આંકડા પર નજર કરીએ તો 212 કેસમાં દોષ સાબિત થયો છે.જ્યારે 429 કેસમાં દોષ સાબિત થઈ શક્યો નથી.આ સમયગાળામાં કન્વિકશન રેટ આશરે 33 ટકા રહ્યો છે.જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં પણ કન્વિકશન રેટ 33 ટકા આસપાસ રહ્યો છે.એસીબીની કાર્યવાહીનો હેતુ માત્ર લાંચિયા અધિકારીને પકડવાનો જ નહીં, પરંતુ તેને કોર્ટમાં દોષિત સાબિત કરાવવાનો પણ છે.ત્યારે આધુનિક ટેક્નોલોજી અને ફોરેન્સિક પુરાવા ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં કેટલા અસરકારક સાબિત થાય છે સાથે જ લાંચને કાબૂમાં લેવા માટે માત્ર એસીબીના દરોડા પૂરતા નથી, પરંતુ લાંચ લેવાની સાથે લાંચ આપવાની માનસિકતા પણ બદલવી પડશે. 

આ પણ વાંચોઃ Amreli News: ખાંભામાં એક જ જ્ઞાતિના બે જૂથ સામ સામે, લોહિયાળ અથડામણમાં એકની હત્યા