અમદાવાદ શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરના ઘરનું સપનું બતાવીને પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ના નામે મોટી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઠગબાજોએ આવાસ યોજનામાં મકાન અપાવવાની લોભામણી લાલચ આપીને કુલ 65 નિર્દોષ લોકો પાસેથી રૂ. 8.63 લાખની માતબર રકમ પડાવી લીધી હતી. આ કૌભાંડમાં LIG (લો ઈનકમ ગ્રૂપ) કેટેગરીના 27 લોકો પાસેથી રૂ. 5.67 લાખ અને EWS (ઈકોનોમિકલી વીકર સેક્શન) કેટેગરીના 38 લોકો પાસેથી રૂ. 2.96 લાખ ઉઘરાવી લેવાયા હતા.

ફોર્મ ભર્યા વગર બનાવટી પાવતી આપી આચર્યો વિશ્વાસઘાત

આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી અત્યંત ચાલાકીપૂર્વકની હતી. આરોપી પંકજ પ્રજાપતિ નામના શખ્સે લોકો પાસેથી નાણાં તો મેળવી લીધા પરંતુ સરકારી ચોપડે ક્યારેય કોઈ સત્તાવાર ફોર્મ ભર્યા નહોતા. તેના બદલે અરજદારોને બોગસ અને બનાવટી પહોંચ (પાવતીઓ) આપીને વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી મકાન ન મળતાં અને રસીદો અંગે શંકા જતાં પીડિતોએ માહિતી અધિકાર (RTI) હેઠળ વિગતો માંગતાં આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

RTI થી ભાંડો ફૂટતાં માધુપુરા પોલીસ મથકે ગુનો દાખલ

RTI નો જવાબ આવતાં જ સામે આવ્યું કે મનપા કે સરકારી ચોપડે આવી કોઈ અરજીઓ થઈ જ નહોતી અને આપવામાં આવેલી પાવતીઓ સંપૂર્ણપણે ગેરકાયદે અને બોગસ હતી. આંગળીના વેઢે ગણાય તેટલી કમાણીમાંથી ઘરનું સપનું જોનારા લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થતાં જ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. માધુપુરા પોલીસે પીડિતોની ફરિયાદના આધારે આરોપી પંકજ પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની અટકાયત અને તપાસની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો : Anand News : 'તમારા ખાતામાંથી પાકિસ્તાન ફંડિંગ થાય છે...' એક ફોન કોલ અને વકીલે ગુમાવ્યા રૂ. 70 લાખ!