અમદાવાદ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારા અને ગંદકી ફેલાવતા વેપારીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેલ્થ અને ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. શહેરના માધુપુરા વિસ્તારમાંથી મનપાની ટીમે દરોડો પાડીને 'રામસન્સ' બ્રાન્ડના વધુ 555 કિલો ઘીનો જથ્થો સીઝ કર્યો છે. અગાઉ આ બ્રાન્ડના ઘીમાંથી લેવામાં આવેલા નમૂના મનપાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ગુણવત્તા વિહોણા અને ફેલ સાબિત થતાં આ આકરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગંદકી અને અખાદ્ય પદાર્થો મળતાં બોમ્બે બિરિયાની

આ ઉપરાંત, મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તપાસ દરમિયાન અત્યંત અસ્વચ્છતા અને અખાદ્ય ખાદ્યપદાર્થો મળી આવતાં નવરંગપુરા સ્થિત 'બોમ્બે બિરિયાની', કાલુપુર વિસ્તારમાં આવેલી 'રોયલ ડેરી એન્ડ સ્વીટ' તેમજ ગોતા વિસ્તારમાં કાર્યરત 'ખોડિયાર ગૃહ ઉદ્યોગ' ને ત્વરિત ધોરણે સીલ કરી દેવામાં આવ્યા છે. આ તમામ એકમોમાં હાઈજીન અને આરોગ્યપ્રદ માપદંડોનો ખુલ્લેઆમ અનાદર થતો હોવાનું મનપાના અધિકારીઓના ધ્યાને આવ્યું હતું.

જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારા સામે કડક કાનૂની કાર્યવાહીની ચીમકી

મનપાના હેલ્થ અને ફૂડ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું જોખમ કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. સીઝ કરાયેલા ઘીના જથ્થા અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમજ સીલ કરાયેલા એકમો પાસેથી દંડ વસૂલવાની સાથે કાનૂની પગલાં લેવામાં આવી રહ્યા છે. મનપા તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના હોટેલ, રેસ્ટોરન્ટ, ડેરી અને ગૃહ ઉદ્યોગોમાં આ પ્રકારે જ આકસ્મિક સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો : Weather Upadate : દક્ષિણ ગુજરાત પર મેઘરાજાની ખાસ નજર, વરસાદનું સંકટ કે માત્ર ઝાપટાં? હવામાન વિભાગની નવી આગાહી