અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં આવેલું AMTS (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ) નું બસ સ્ટેન્ડ રાતોરાત ગાયબ થઈ જતાં મોટો વિવાદ ઊભો થયો છે. BSNL કોલોની તરફ આવેલું બસ સ્ટેન્ડ યથાવત છે, પરંતુ તેની સામેના ભાગે આવેલું આખું બસ શેડ રાત્રિના સમયે પાઇપ કાપીને હટાવી દેવામાં આવ્યું હતું. સવારે જ્યારે મુસાફરો બસ પકડવા આવ્યા ત્યારે સ્ટેન્ડ ગાયબ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તંત્રની જાણ બહાર કે મંજૂરીથી આ સ્ટેન્ડ હટાવાયું છે તે અંગે સ્પષ્ટતા ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મુસાફરો ભારે પરેશાન, હવે શિવરંજની સુધીના ધક્કા

બસ સ્ટેન્ડ ગાયબ થઈ જવાના કારણે રોજેરોજ AMTS બસમાં મુસાફરી કરતા વૃદ્ધો, મહિલાઓ અને નોકરિયાતો અસહ્ય તાપમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં, બસ સ્ટેન્ડનું શેડ જ ન હોવાથી બસ ચાલકો પણ બસ ઊભી રાખ્યા વિના આગળ નીકળી જાય છે, જેના કારણે સ્થાનિકોને હવે બસ પકડવા માટે છેક શિવરંજની સુધી ચાલીને કે અન્ય વાહનમાં જવું પડે છે. જાહેર સુવિધાનો આ રીતે અચાનક નાશ કરાતાં મુસાફરોને ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બિલ્ડરના લાભ માટે સ્ટેન્ડ હટાવાયાનો આક્ષેપ અને તપાસની માંગ

આ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને મુસાફરો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આસપાસની જગ્યા કે કમર્શિયલ પ્રોપર્ટીના વિકાસ માટે કોઈ ખાનગી બિલ્ડરને ફાયદો પહોંચાડવાના હેતુથી આ બસ સ્ટેન્ડ રાતોરાત હટાવી દેવાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને AMTS ના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ મામલે કડક તપાસની માંગ કરી છે. જો તાત્કાલિક ધોરણે આ બસ સ્ટેન્ડ પુનઃ સ્થાપિત કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચો : Rajkotમાં વાહનચાલકો માટે મોટા સમાચાર, કસ્તુરબા રોડ આજથી 9 મહિના માટે બંધ, જાણો વૈકલ્પિક રસ્તો