અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં આવેલ રેલવે ઓવરબ્રિજ (ROB) નિર્માણ બાદથી જ વિવાદોના વંટોળમાં ઘેરાયેલો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રજાના ટેક્સના રૂ.96 કરોડથી વધુના મસમોટા ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ બ્રિજમાં અનેક ટેકનિકલ ખામીઓ સામે આવી છે. જોકે, બ્રિજની આ ગંભીર ત્રુટિઓનો અભ્યાસ કરવા માટે તંત્રે જે નિર્ણય લીધો છે તેનાથી મોટો વિવાદ ઊભો થયો છે. જે કન્સલ્ટન્ટ એજન્સી 'ડેલ્ફ' દ્વારા આ ખામીયુક્ત બ્રિજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી, તેને જ આ બ્રિજની ખામીઓનો અભ્યાસ કરવાનો કામ સોંપવામાં આવ્યું છે!
રૂ. 96 કરોડ ખર્ચાયા છતાં લોકોની મુશ્કેલીઓ વધી
મકરબા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય મૂળ યોજના મુજબ 4 વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવાનું હતું. પરંતુ કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્સી એજન્સીની ઢીલી નીતિ અને બેદરકારીના કારણે આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં પૂરા 6 વર્ષનો સમય લાગ્યો હતો. અંદાજે રૂ.96 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થઈ ગયા બાદ ટ્રાફિક સમસ્યા હલ થવાને બદલે વાહનચાલકો અને સ્થાનિક રહીશોની મુશ્કેલીઓમાં ઓર વધારો થયો છે. બ્રિજ ચડવા અને ઊતરવાના પોઇન્ટ તેમજ તેની ડિઝાઇનમાં રહેલી ભૂલોના કારણે અકસ્માતનો ભય સતત તોળાતો રહે છે.
