અમદાવાદ શહેરમાં યુવાધનને ગેરમાર્ગે દોડાવતી અને પ્રતિબંધિત હોવા છતાં ખાનગી કાફેની આડમાં ધમધમતી અસામાજિક પ્રવૃત્તિઓ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઝુંડાલ ગરનાળા પાસે આવેલા 'ચેરીસ કાફે' પર SMC ની ટીમ દ્વારા ઓચિંતી રેડ પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન આ કાફેમાં ગેરકાયદેસર રીતે યુવાનોને હુક્કા પીવડાવામાં આવી રહ્યા હોવાનું સાબિત થતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

નિકોટિનયુક્ત હુક્કા પીવડાવાતા હોવાનો ખુલાસો

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કાફેમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક અને પ્રતિબંધિત નિકોટિનયુક્ત હુક્કા (Nicotine Hookah) ગ્રાહકોને પીવડાવામાં આવી રહ્યા હતા. નિયમોને નેવે મૂકીને ચાલતા આ કારોબારને લઈને SMC દ્વારા કાફેના સંચાલક સહિત કુલ 5 જેટલા શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોડી રાત સુધી ધમધમતા આ કાફેમાં દરોડા પડતાની સાથે જ સંચાલકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

રૂ. 62,100 નો મુદ્દામાલ જપ્ત

સ્થળ પર સઘન તપાસ હાથ ધરીને પોલીસ દ્વારા હુક્કાબારમાં વપરાતો પ્રતિબંધિત સામાન જપ્ત કરવામાં આવ્યો છે. SMC ની ટીમે સ્થળ પરથી 10 હુક્કા, 28 વિવિધ ફ્લેવર, 90 ચીલમ અને 43 પાઇપ સહિત કુલ Rs 62,100 (રૂ. 62,100) ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. SMC ની આ સરાહનીય કાર્યવાહીથી સ્થાનિક પોલીસ સ્ટેશનની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે, જ્યારે આવા અન્ય કાફે સામે પણ આગામી દિવસોમાં સકંજો કસાવાની પૂરેપૂરી સંભાવના છે.

આ પણ વાંચો : Surat News : દેશની સૌથી ધનિક મનપા પાસે બાળકો માટે ભંડોળ નથી? સુવિધાઓના અભાવે આંગણવાડી રામભરોસે!