અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ડ્રગ્સ તસ્કરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિદેશથી આવી રહેલા મુસાફરોના સામાન પર સતત નજર રાખી રહેલી કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) ને મોટી સફળતા મળી છે. વિયેતનામથી અમદાવાદ આવેલી ફ્લાઇટના એક મુસાફરની શંકાસ્પદ હિલચાલને આધારે તપાસ કરવામાં આવતાં તેની ટ્રાવેલ બેગમાંથી શંકાસ્પદ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
7 ખાસ વેક્યૂમ પેકેટ જપ્ત કરાયા
કસ્ટમ્સ વિભાગની પ્રાથમિક તલાશી દરમિયાન મુસાફરની બેગમાંથી ખાસ રીતે પેક કરવામાં આવેલા 7 વેક્યૂમ સીલબંધ પેકેટ મળી આવ્યા હતા. એરપોર્ટ પર જ એફએસએલ (FSL) ની ટીમ બોલાવીને કરાયેલી પ્રાથમિક તપાસમાં આ જથ્થામાં ગાંજાના સક્રિય ઘટકો હોવાના સ્પષ્ટ સંકેતો મળ્યા હતા. સુનિશ્ચિત રીતે સુગંધ બહાર ન આવે તે માટે વેક્યૂમ પેકિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ સજાગ અધિકારીઓએ આ આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કરી દીધો હતો.
