અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ગુનાખોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુરૂદ્વારા ચાર રસ્તા પાસે રિક્ષામાં મુસાફરી કરી રહેલા વૃદ્ધ દંપતીને છરી બતાવી ધમકી આપીને રૂ. 5.55 લાખના સોના-ચાંદીના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં રિક્ષાચાલક સહિત ચાર શખ્સો સામેલ હોવાની ફરિયાદ નોંધાઈ છે.

રિક્ષામાં બેસાડ્યા અન્ય ત્રણ શખ્સો

મળતી વિગતો મુજબ, 67 વર્ષીય હજારીમલ પ્રજાપતિ અને તેમનાં પત્ની રાજસ્થાનથી અમદાવાદ પરત ફર્યાં હતાં. ત્યારબાદ તેઓ રિક્ષામાં બેસીને ઘરે જઈ રહ્યાં હતાં. આ દરમિયાન રિક્ષાચાલકે રસ્તામાં અન્ય ત્રણ શખ્સોને પણ રિક્ષામાં બેસાડ્યા હતા.

સોના-ચાંદીના દાગીનાનો થેલો લૂંટી લીધો

થોડીવાર બાદ ચારેય શખ્સોએ ભેગા મળીને વૃદ્ધ દંપતીને નિશાન બનાવ્યું હતું. આરોપીઓએ દંપતીને છરી બતાવી ધમકી આપી તેમની પાસે રહેલો સોના-ચાંદીના દાગીનાનો થેલો લૂંટી લીધો હતો.

સોનાની કંઠીથી લઈને ચાંદીના દાગીના સુધી લૂંટ

લૂંટાયેલા દાગીનામાં સોનાની કંઠી, બુટ્ટી, નથ સહિત ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે. ચારેય શખ્સો કુલ રૂ. 5.55 લાખના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા.

22 દિવસ બાદ પોલીસ ફરિયાદ

ઘટનાના 22 દિવસ બાદ વૃદ્ધ હજારીમલ પ્રજાપતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વસ્ત્રાપુર પોલીસે ચારેય અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિક્ષાચાલક સહિત ચારેય શખ્સોની ઓળખ અને તેમની શોધખોળ માટે પોલીસ તપાસ કરી રહી છે.  


આ પણ વાંચો :   Explainer : અમેરિકાનું આકાશ અચાનક કેમ થંભી ગયું? એક ખામીથી હજારો ફ્લાઇટ્સ ગ્રાઉન્ડેડ, ભારતની હવાઈ વ્યવસ્થા કેટલી સુરક્ષિત?