અમદાવાદ શહેરમાં છેતરપિંડી અને સાયબર ક્રાઈમની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં ઈસનપુરમાં બોગસ દસ્તાવેજો બનાવી જમીન બિનખેતી (NA) કરવાનો પ્રયાસ, APK ફાઇલ દ્વારા વેપારી સાથે રૂ.5.67 લાખનો સાયબર ફ્રોડ અને ચણાના વેપારના નામે રૂ.6.34 લાખની ઠગાઈનો સમાવેશ થાય છે.

ઈસનપુરમાં બોગસ સહી-અંગૂઠાથી જમીન NA કરાવવાનું કૌભાંડ

ઈસનપુર વિસ્તારમાં આવેલી 4,747 ચોરસ મીટર જમીન મામલે કલેક્ટર કચેરીમાં બોગસ દસ્તાવેજો રજૂ કરવાનું કાવતરું સામે આવ્યું છે. આરોપી શાહબુદ્દીન કમરૂદ્દીન નાગોરી અને તેના મળતીયાઓએ જમીન માલિકના નામે ખોટી અંગ્રેજી સહી, અંગૂઠાના નિશાન અને બોગસ એફિડેવિટ તૈયાર કરી બિનખેતી (NA) પરવાનગી મેળવવા અરજી કરી હતી. મહેસુલી અપીલની ટપાલ મળતાં જમીન માલિકને આ કૌભાંડની જાણ થઈ હતી. આ મામલે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

mParivahan APKના નામે વેપારી સાથે રૂ.5.67 લાખનો સાયબર ફ્રોડ

શહેરના 61 વર્ષીય વેપારીને કારનું ચલણ ભરવાના બહાને અજાણ્યા શખ્સોએ "mparivahan.apk" ફાઇલની લિંક મોકલી હતી. વેપારીએ લિંક પર ક્લિક કરતાં જ મોબાઈલનો એક્સેસ ઠગોના હાથમાં જતો રહ્યો હતો. આરોપીઓએ વેપારીની બેંકિંગ માહિતી મેળવી ઇન્ડસઇન્ડ બેંકના ખાતામાંથી IMPS મારફતે રૂ.5.67 લાખ NSDL પેમેન્ટ્સ બેંકના ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા હતા. નાણાં કપાયાના મેસેજ આવતાં સાયબર ફ્રોડનો ખુલાસો થયો હતો. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.

ચણાના વેપારના નામે રૂ.6.34 લાખની છેતરપિંડી

બ્રહ્માણી એન્ટરપ્રાઇઝના નામે નિસિકા ઇમ્પોર્ટ એક્સપોર્ટ કંપની પાસેથી રૂ.7.09 લાખની કિંમતનો 12 હજાર કિલો ચણાનો જથ્થો મંગાવી છેતરપિંડી આચરવામાં આવી છે. આરોપીઓએ માત્ર રૂ.75 હજારનું એડવાન્સ પેમેન્ટ કરી બાકીના રૂ.6.34 લાખ માલ પહોંચ્યા પછી ચૂકવવાનું કહ્યું હતું. મહેસાણાના ગોડાઉન પર માલ ખાલી કરાવ્યા બાદ ખોટા RTGSનો વિશ્વાસ અપાયો હતો અને બાદમાં આપેલા બે ચેક પણ સહીમાં ફેરફાર અને છેકછાકના કારણે બાઉન્સ થયા હતા. આ મામલે રૂપેશકુમાર પ્રજાપતિ, મેહુલ પટેલ અને શૈલેષ પ્રજાપતિ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ છે.

આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાત પોલીસનો ડ્રગ્સ માફિયા સામે ‘માસ્ટરસ્ટ્રોક’, દરેક જિલ્લામાં બનશે ડેડિકેટેડ ‘એન્ટી નાર્કોટિક્સ વિંગ’