અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આચરવામાં આવતા 'બોસ સ્કેમ' સાયબર ક્રાઈમ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જૂન 2026 માં નોંધાયેલા રૂ. 1.30 કરોડના ફ્રોડ કેસની તપાસ દરમિયાન પશ્ચિમ બંગાળથી 2 મુખ્ય આરોપીઓને ઝડપીને અમદાવાદ લાવવામાં આવ્યા છે. આ ગેંગ 'સાયબર ક્રાઈમ એઝ અ સર્વિસ' તરીકે કામ કરતી હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી આચરતી હતી.
વોટ્સએપ ના ઓટીપી વેચતા
પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે, આ આરોપીઓ વોટ્સએપ દ્વારા પ્રતિ OTP દીઠ રૂ. 100 થી રૂ. 200 કમિશન લઈને સાયબર ક્રિમિનલ્સને વેચતા હતા. અત્યાર સુધીમાં તેઓ સાયબર અપરાધીઓને 21,000 થી વધુ OTP આપી ચૂક્યા છે અને 4,500 જેટલા સિમ કાર્ડ દ્વારા સેવા પૂરી પાડતા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સ્કેમનું મુખ્ય કોલસેન્ટર પાકિસ્તાનના ઇસ્લામાબાદ ખાતે ચાલતું હતું.
હેકિંગ માટે ચીનમાં ખાસ માલવેર તૈયાર કરવામાં આવતો
આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત ખતરનાક હતી. હેકિંગ માટે ચીનમાં ખાસ માલવેર તૈયાર કરવામાં આવતો હતો. આરોપીઓ SMS, Email અને WhatsApp મારફતે ઝીપ (ZIP) ફાઈલ કે માર્વેલ ફાઈલો મોકલીને લોકોની સિસ્ટમ હેક કરતા હતા. આ માધ્યમથી તેઓએ આશરે 10,000 જેટલા ડિજિટલ ડિવાઇસ હેક કરી લીધા હતા, જોકે તેઓ મોટો સાયબર ક્રાઈમ અંજામ આપે તે પહેલા જ સાયબર ક્રાઈમની ટીમે તેમને દબોચી લીધા છે.
ક્રિપ્ટોકરન્સી (USDT) નો ઉપયોગ કરવામાં આવતો
ગુનાની રકમની લેતીદેતી માટે ક્રિપ્ટોકરન્સી (USDT) નો ઉપયોગ કરવામાં આવતો હતો, જેથી નાણાં પરત દેશમાં લાવીને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરી શકાય. ટેકનિકલ જાણકાર એવા આ બંને આરોપીઓ પાસેથી 3 એન્ડ્રોઇડ ફોન અને મલ્ટીપલ સિમ કાર્ડ યુઝ કરી શકાય તેવા ડિવાઇસ જપ્ત કરવામાં આવ્યા છે. અમદાવાદમાં આ સંદર્ભે 5 જેટલી ફરિયાદો નોંધાઈ છે. સાયબર ક્રાઈમ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ અજાણી ZIP ફાઈલ પર ક્લિક ન કરવું અને સાયબર ફ્રોડથી સાવધ રહેવું.
આ પણ વાંચો : PM Modiના રાજ્યમાં પ્રભારી તરીકે મુકાયેલા તરુણ ચુગ કોણ છે ? કેમ સોંપાઇ ગુજરાતની મહત્વની જવાબદારી ?