અમદાવાદ શહેરમાં સાયબર અપરાધીઓ દ્વારા છેતરપિંડી આચરવા માટે રોજ નવા કિમી અપનાવવામાં આવી રહ્યા છે, જેમાં વધુ એક ગંભીર અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શહેરના 63 વર્ષીય એક વડીલને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાવવાની લાલચ આપીને સાયબર ગઠિયાઓએ નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ વોટ્સએપ (WhatsApp) પર પ્રધાનમંત્રી આવાસ યોજનાની એક નકલી APK ફાઇલ મોકલી હતી, જેને વડીલ દ્વારા ઓપન કરતાની સાથે જ મોબાઈલ ફોનનો રિમોટ એક્સેસ સાયબર ઠગોના હાથમાં ચાલ્યો ગયો હતો અને તેઓ છેતરપિંડીના શિકાર બન્યા હતા.
પરિવારના અલગ-અલગ બેંક ખાતામાંથી લાખો રૂપિયા સેરવી ગયા ગઠિયા
આ ફ્રોડ દરમિયાન માત્ર ભોગ બનનાર વડીલ જ નહીં, પરંતુ તેમની પત્ની અને મિત્રના પીએનબી (PNB), બેંક ઓફ બરોડા (Bank of Baroda) અને બેંક ઓફ ઈન્ડિયા (Bank of India) ના બેંક ખાતાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. ગત 10 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર વચ્ચેના સમયગાળામાં આઈસીએમપીએસ (IMPS) મારફતે એક પછી એક અનેક ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂપિયા 20,06,305.47 (વીસ લાખ છ હજાર ત્રણસો પાંચ રૂપિયા અને સડતાલીસ પૈસા) ની માતબર રકમ અલગ-અલગ ખાતામાંથી તફડાવી લેવામાં આવી હતી. અચાનક ખાતામાંથી નાણાં ઉપડી જતા પરિવારમાં ભારે હડકંપ મચી ગયો હતો.
