અમદાવાદ શહેરમાં પેકેટબંધ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા સામે ફરી એકવાર મોટા અને ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના સીટીએમ (CTM) વિસ્તારમાં રહેતા એક પરિવાર માટે બજારમાંથી ખરીદેલું નમકીન આરોગવું અત્યંત કડવો અને આંચકાજનક અનુભવ સાબિત થયો છે. જાણીતી બ્રાન્ડ ગણાતા 'લક્ષ્મી નમકીન' ના ચવાણાના સીલબંધ પેકેટમાંથી મરેલા વંદા મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અને ગ્રાહકોમાં ભારે સન્નાટો તેમજ રોષ વ્યાપી ગયો છે.
પેકેટબંધ ખાદ્યપદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો
બનાવની વિગતો અનુસાર, CTM વિસ્તારના પરિવારે નાસ્તા માટે લક્ષ્મી નમકીનનું પેકેટ ખરીદ્યું હતું. જ્યારે તેમણે આ પેકેટ સીલ ખોલીને પ્લેટમાં ઠાલવ્યું ત્યારે અંદરથી મરેલા વંદા મળી આવ્યા હતા. આ દ્રશ્ય જોઈને પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. પેકિંગમાં આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવતાં બ્રાન્ડેડ અને મોંઘા ભાવે વેચાતા પેકેટબંધ નમકીનની ગુણવત્તા, પેકિંગની જગ્યાએ રખાતી સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના દાવાઓ સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ખડા થયા છે.
