અમદાવાદમાં અકસ્માત તરીકે રજૂ કરાયેલી એક ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 22 વર્ષીય સોફિયાનું મોત અકસ્માતમાં નહીં પરંતુ હત્યાના કાવતરામાં થયું હોવાનો આક્ષેપ છે.

બાઈક અકસ્માતની ઘટના

12 ઓગસ્ટની રાત્રે ઘેલજીપુરા ચાર રસ્તા નજીક બાઈક અકસ્માતની ઘટના સામે આવી હતી. મોહંમદ હાબીલ પોતાની બહેન સોફિયાને બાઈક પર બેસાડી ઘરે જઈ રહ્યો હતો ત્યારે પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

હિટ એન્ડ રન માનવામાં આવ્યો કેસ, પછી પોલીસને કેમ ગઈ શંકા?

ઘટનામાં હાબીલને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે બાઈક પાછળ બેઠેલી સોફિયાના માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં 13 ઓગસ્ટની વહેલી સવારે તેનું મોત થયું હતું.

અકસ્માતની કહાની પાછળનું રહસ્ય

શરૂઆતમાં સમગ્ર મામલો હિટ એન્ડ રનનો હોવાનું માનવામાં આવતું હતું. જોકે, એમ ટ્રાફિક પોલીસની તપાસ આગળ વધતાં ઘટનામાં કંઈક અજુગતું હોવાનું સામે આવ્યું અને અકસ્માતની કહાની પાછળનું રહસ્ય ઉકેલવાની તપાસ શરૂ કરવામાં આવી.

ત્રણ મહિના જૂનો વીડિયો બન્યો હત્યાનું કારણ?

પોલીસ તપાસ મુજબ, સોફિયાનો અંદાજે 3 મહિના અગાઉ એક યુવક સાથેનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ પરિવારની સમાજમાં આબરૂ ખરાબ થતી હોવાની વાતને લઈને સોફિયાને ઠપકો આપવામાં આવ્યો હતો.

પિતા-પુત્રએ કાવતરરું રચ્યું

આ ઉપરાંત સોફિયા અન્ય યુવકો સાથે વાતચીત કરતી હોવાની શંકા અને અદાવત રાખીને તેના પિતા મોહંમદ ફારૂક અને ભાઈ મોહંમદ હાબીલે હત્યાનું કાવતરું રચ્યું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.

અવાવરુ રસ્તા પર લઈ જઈ હથોડીના ઘા માર્યાનો આક્ષેપ

કાવતરાના ભાગરૂપે મોહંમદ હાબીલ બાઈક પર સોફિયાને ઘેલજીપુરા ગામ તરફના કાચા અને અવાવરુ રસ્તા પર લઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યાં પિતા મોહંમદ ફારૂક લોખંડની હથોડી લઈને પહોંચ્યા હતા. સોફિયાના માથામાં હથોડીના અંદાજે 3 ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનો પોલીસનો આક્ષેપ છે.

હત્યા બાદ રચી નાખી હિટ એન્ડ રનની ખોટી કહાની!

હત્યાને છુપાવવા માટે પિતા-પુત્રએ સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ખુલાસો થયો છે. સોફિયાની હત્યા બાદ અજાણ્યા વાહને બાઈકને પાછળથી ટક્કર મારી હોવાની ખોટી કહાની ઉભી કરવામાં આવી હતી.

અકસ્માતની ખોટી ફરિયાદ કરી

પોલીસને ગેરમાર્ગે દોરવા માટે અકસ્માતની ખોટી ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જોકે, એમ ટ્રાફિક પોલીસની ઝીણવટભરી તપાસમાં અકસ્માતની કહાનીની કડીઓ એક પછી એક ખુલતી ગઈ.

પિતા અને ભાઈની ધરપકડ, વધુ તપાસ શરૂ

પોલીસે આ કેસમાં મોહંમદ હાબીલ અને તેના પિતા મોહંમદ ફારૂકની ધરપકડ કરી છે. બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ હત્યા પાછળના સમગ્ર કાવતરાને લઈને વધુ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો  :     Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું