અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા જિલ્લામાં બનતી ઘરફોડ ચોરી અને વાહન ચોરીની ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં મોટી સફળતા મળી છે. LCBની ટીમે બાતમીના આધારે 3 કુખ્યાત આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓમાં શ્રવણભાઈ રમેશભાઈ હાડા, અશોકભાઈ રમેશભાઈ હાડા અને ખાલિદખાન કફિલઅહમદ ખાનનો સમાવેશ થાય છે. આ પકડ સાથે પોલીસે અસલાલી અને કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ સફળતાપૂર્વક ઉકેલી નાખ્યો છે.

આરોપીઓ વિરુદ્ધ અગાઉથી જ ગંભીર ગુનાઓ નોંધાયેલા

પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લંબો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મુખ્ય આરોપી શ્રવણભાઈ રમેશભાઈ હાડા વિરુદ્ધ અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, લૂંટ અને ઘરફોડ જેવા 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે બીજા આરોપી અશોકભાઈ રમેશભાઈ હાડા વિરુદ્ધ પણ અગાઉના 11 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાની વિગતો બહાર આવી છે. આ કુખ્યાત શખ્સો લાંબા સમયથી પોલીસની પકડથી બચીને ગુનાઓને અંજામ આપી રહ્યા હતા, પરંતુ LCB ની સઘન તપાસને કારણે આખરે તેઓ કાયદાના ગાળીયામાં આવી ગયા છે.

કુલ રૂ.13.72 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો

આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન તેમની પાસેથી ચોરીનો મોટો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી ફેક્ટરીઓ અને મકાનોમાંથી ચોરાયેલા તાંબાના પાઇપ, સીસીટીવીના ડીવીઆર (DVR), મોબાઈલ ફોન ઉપરાંત ચોરીના ગુનાઓમાં વપરાયેલી તેમજ ચોરાયેલી મહિન્દ્રા ગાડી, લોડિંગ રિક્ષા અને મોટરસાઇકલ (બાઈક) મળીને કુલ રૂ13,72,000 (13.72 લાખ) નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા આ સમગ્ર રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે અંગે વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો