અમદાવાદ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અને ચોરીની ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ સતત સક્રિય છે. તાજેતરમાં અમદાવાદના ખાડિયા વિસ્તાર અંતર્ગત આવતા રાયપુરની સિદ્ધિની પોળમાં બનેલી ઘરફોડ ચોરીની ગંભીર ઘટનાનો LCB ઝોન-3 ની ટીમે ગણતરીના કલાકોમાં જ સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. ગત 2 નવેમ્બરના રોજ આરોપીએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ઘરનો દરવાજો અર્ધ ખુલ્લો હોવાનો લાભ લઈને તસ્કરે ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી રોકડ તથા કિંમતી ચીજવસ્તુઓ સહિત કુલ રૂપિયા 2.96 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
CCTV ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસથી આરોપી ઝડપાયો
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને LCB ઝોન-3ના અધિકારીઓ અને સ્ટાફે સઘન તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજની ચકાસણી, ટેક્નિકલ એનાલિસિસ તેમજ બાતમીદારો દ્વારા મળેલા સચોટ ઇનપુટ્સના આધારે પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો હતો. આ દરમિયાન ચોરીના સોનાના દાગીના વેચવા માટે માણેકચોક વિસ્તારમાં પહોંચેલા કુખ્યાત આરોપી લાલજીભાઈ ઉકાભાઈ સોલંકી (રહે. વાડજ, અમદાવાદ) ને પોલીસે વોટર પકડીને ઝડપી પાડ્યો હતો.
