મેગા સિટી અમદાવાદમાં ગુનેગારોની હિંમત એટલી વધી ગઈ છે કે હવે પોલીસના નામે લૂંટ ચલાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના નારોલ વિસ્તારમાં ત્રણ અજાણ્યા શખ્સોએ નકલી પોલીસ બનીને એક વેપારીને આંતરી, ડરાવી-ધમકાવીને રૂ. 1.60 લાખની ઓનલાઈન લૂંટ ચલાવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને આરોપીઓને પાંજરે પૂરવા ચક્રો ગતિમાન કર્યા છે.
ત્રણ શખ્સોએ વેપારીને નારોલ વિસ્તારમાં રોક્યા
બનાવની વિગત મુજબ, પીડિત વેપારી પોતાના બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે બે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ તેમને નારોલ વિસ્તારમાં રોક્યા હતા.
મણિનગર તરફ લઇ જઇને 3 લાખ માગ્યા
પોતાને પોલીસ તરીકે ઓળખાવી આરોપીઓએ બળજબરીથી વેપારીને બાઇક પરથી ઉતારી દીધા હતા અને મણિનગર તરફ આવેલા એક અવાવરૂ સ્થળે લઈ ગયા હતા. ત્યાં તેને "તું ખરાબ ધંધો કરે છે, તારે જેલમાં જવું પડશે અને તારું નામ મીડિયામાં આપી દઈશું" તેવી ધમકી આપીને રૂ. 3 લાખની માંગણી કરી હતી.
ફોન-પે મારફતે બળજબરીથી રૂ. 1.60 લાખ પડાવ્યા
ધમકીથી ગભરાઈ ગયેલા વેપારી પાસે રોકડ રકમ ન હોવાથી, આરોપીઓએ તેના મોબાઈલમાંથી ફોન-પે મારફતે બળજબરીથી રૂ. 1.60 લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. શરૂઆતમાં ડરના માર્યા વેપારીએ મૌન સેવ્યું હતું, પરંતુ બાદમાં પરિજનોને વાત કરી નારોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણ અજાણ્યા ઠગ સામે ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના આધારે આરોપીઓનું પગેરું મેળવવા તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો : Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?