ગુજરાતમાં અનેક વખત એવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે જેમાં ઘર પાસે રમી રહેલા બાળક પર કાર ચાલક કાર ચઢાવીને ફરાર થઈ જતો હોય છે. આ પ્રકારની એક ઘટના અમદાવાદના નોબલનગરમાં સામે આવી છે. સોસાયટીમાં રમી રહેલી ત્રણ વર્ષની બાળકી એક કારની નીચે આવી ગઈ હતી. આ ઘટનામાં બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. ટ્રાફિક પોલીસે કાર ચાલક કિશોર સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના નોબલનગરમાં બાળકી કાર નીચે આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના નોબલનગરમાં એક સોસાયટીમાં ત્રણ વર્ષની બાળકી રમી રહી હતી. આ દરમિયાન સોસાયટીમાં એક કિશોર કાર લઈને આવ્યો હતો. તેણે કારનો વળાંક લેતી વખતે બાળકી કાર નીચે આવી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ કાર ચાલક અવારનવાર સોસાયટીમાં આવતો રહે છે. તેની કાર નીચે બાળકી આવી જતાં વાલીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરંતુ બાળકીનો આબાદ બચાવ થતાં વાલીએ રાહતનો શ્વાસ લીધો હતો.













