અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન તસ્કરો સક્રિય થયા છે. શહેરના જુહાપુરામાં આવેલ ગુજરાત ફ્રીઝ ગોડાઉનમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા.ચોરી કરવાના ઇરાદે તસ્કરોએ ગોડાઉન/શો-રૂમના પતરાં તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસના ગલ્લામાંથી 20 લાખ રૂપિયા જેટલી માતબર રકમની રોકડની ચોરી કરી હતી. આ ગોડાઉનના માલિકે સમગ્ર બાબતે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો છે.


પોલીસે આરોપીને નાગપુરથી ઝડપી પાડ્યો

વેજલપુર પોલીસે ગોડાઉનમાંથી 20 લાખ રૂપિયા રોકડા ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીને નાગપુરથી ઝડપી પાડ્યો છે. અમદાવાદ શહેર ઝોન-5 અને ઝોન-7ની ટીમે આરોપીની નાગપુરથી ધરપકડ કરી છે. આરોપી પતરાવાળી દુકાનોને ટાર્ગેટ કરતો હતો. તેની સામે ભૂતકાળમાં સુરત અને અમદાવાદમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. તેણે ચેઈન સ્નેચિંગના ગુનાને પણ અંજામ આપ્યો છે.

શું હતો સમગ્ર મામલો

અસ્લમભાઇ પરમાર સરખેજ જુહાપુરા રોડ પર ગુજરાત ફ્રીઝ નામથી ફ્રીઝ અને વોશિંગ મશીનનો વેપાર કરે છે.ગત શુક્રવારે રાત્રે માલિક સહિતના લોકો રોકડા રૂપિયા ગોડાઉનમાં મૂકીને ઘરે નીકળ્યા હતા. રવિવારના દિવસે જ્યારે કર્મચારીઓ ગોડાઉનમાં સફાઈ કરી રહ્યા હતાં ત્યારે ગોડાઉનમાં પડેલી દાનપેટી ખુલ્લી હાલતમાં દેખાઈ હતી. આ ઉપરાંત ગોડાઉનમાં ડ્રોઅર પણ ખુલ્લુ હતું. માલિકે તપાસ કરતાં 20 લાખ રોકડા રૂપિયા ચોરાઈ ગયા હતાં. સમગ્ર મામલે વેજલપુર પોલીસે ફરિયાદ લઈને તપાસ હાથ ધરી હતી.


  • Follow us on: