દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મળેલી ચોક્કસ બાતમીના આધારે સોનાની તસ્કરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. રિયાધથી આવેલી SV-760 ફ્લાઇટમાં પ્રવાસ કરી રહેલા એક ભારતીય મુસાફર પર કસ્ટમ્સ અધિકારીઓને શંકા ગઈ હતી. જ્યારે આ મુસાફર ગ્રીન ચેનલ પાર કરીને બહાર જઈ રહ્યો હતો, ત્યારે અધિકારીઓએ તેને અટકાવીને સઘન તપાસ અને પૂછપરછ હાથ ધરી હતી.

X-ray સ્ક્રીનિંગમાં સોનાની પેસ્ટ ધરાવતી 2 કેપ્સ્યુલ ઝડપાઈ

શંકાસ્પદ મુસાફરના સામાનનું X-ray સ્ક્રીનિંગ કરવામાં આવતાં જ અધિકારીઓને બેગની અંદર શંકાસ્પદ ઈમેજ જોવા મળી હતી. જેના આધારે બેગેજ ખોલીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતાં અંદરથી સોનાની પેસ્ટથી ભરેલી 2 મોટી કેપ્સ્યુલ મળી આવી હતી. કસ્ટમ્સ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલી આ બંને કેપ્સ્યુલ્સનું કુલ વજન 745.8 ગ્રામ હોવાનું સામે આવ્યું હતું, જેને ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.

કેરિયરની કબૂલાત બાદ બહાર રાહ જોઈ રહેલો રિસીવર પણ ઝડપાયો

ઝડપાયેલા તસ્કર મુસાફરની કડક પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે એરપોર્ટ પરિસરની બહાર એક વ્યક્તિ આ સોનાનો જથ્થો સ્વીકારવા (રિસીવર) માટે રાહ જોઈ રહ્યો છે. આ માહિતી મળતાં જ કસ્ટમ્સ અધિકારીઓએ તાત્કાલિક એરપોર્ટની બહાર કાર્યવાહી કરીને સોનું લેવા આવેલા રિસીવરને પણ ઝડપી લીધો હતો. કસ્ટમ્સ તંત્રની સતર્કતાથી સોનાના કેરિયર અને રિસીવર બંને સલાખો પાછળ ધકેલાયા છે અને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ ચાલુ કરી છે.

આ પણ વાંચો : Rajkot સિવિલમાં મહિલા ડોક્ટર સાથે ગેરવર્તન મામલે કાર્યવાહી, ડોક્ટર અશ્વિન રામાણીની બદલી