પોલીસ કર્મચારીની ઓળખ આપી રાહદારી અને વાહન ચાલકો પાસેથી રૂપિયા પડાવતો એક નકલી પોલીસકર્મીની ખોખરા પોલીસે ધરપકડ કરી છે, મહત્વનું છે કે, વાહનચાલકો અને પ્રેમી યુગલોને રોકી આરોપી તેમની પાસેથી નાની મોટી રકમ પડાવતો હતો, જે અંગે ખોખરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી, સાથે જ પોલીસને શંકા છે કે આરોપીની તપાસમાં અન્ય ભોગ બનનાર લોકો પણ સામે આવી શકે છે.


આરોપી પોલીસ જેવી હેર સ્ટાઈલ રાખતો હતો

ખોખરા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ મોહમ્મદ શાહરુખ અન્સારી છે. જે મૂળ રખિયાલ વિસ્તારનો રહેવાસી છે, આરોપી પોલીસ જેવી હેર સ્ટાઈલ અને પોલીસ જેવા કપડા પહેરી વાહન ચાલકોને રોકી કોઈના કોઈ બહાને તેમની પાસેથી રૂપિયા પડાવતો હતો.. થોડા દિવસ પહેલા પણ આરોપીએ ડ્રાઇવિંગ કરતા તેજસ માથુર નામના યુવકને રોકી તેની વાહન ચેક કરવાના બહાને વાહનમાં રહેલા ૧૨ હજાર રૂપિયા રોકડા લઈને ફરાર થયો હતો, જે અંગે ખોખરા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને આરોપીની તપાસ કરતા આરોપી ગોમતીપુર વિસ્તારમાંથી પોલીસના હાથે ઝડપાયો છે.

આરોપી અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ઝડપાયો હતો

ખોખરા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ કરતા અગાઉ પણ આરોપી અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ આરોપીએ અન્ય વાહનચાલકો અને પ્રેમી યુગલો નેરોકી તેમની પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની પણ કબુલાત કરી રહ્યો છે. પરંતુ નાની રકમ હોવાથી અને બદનામીના ડરે પોલીસને સત્તાવાર કોઈ ફરિયાદ મળી નથી. ઉપરાંત આરોપી પોલીસના નામે પૈસા કેમ પડાવતો હતો અને ત્યારથી તે સામાન્ય માણસો પાસેથી રૂપિયા પડાવી રહ્યો છે, તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ આરોપીનો અન્ય એક ફરાર સાગરીત કોણ છે તે અંગે માહિતી મેળવી તેની ધરપકડ માટેની કાર્યવાહી પણ શરૂ કરી છે.

આરોપીએ ફરિયાદી સિવાય અન્ય લોકો પાસેથી પણ રૂપિયા પડાવ્યા હશે

મહત્વનું છે કે ઝડપાયેલા આરોપી પોલીસ ચોકીની બહાર જ ઉભો રહી પોલીસની ઓળખ આપી લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો, જેથી પોલીસને શંકા છે કે આરોપીએ ફરિયાદી સિવાય અન્ય લોકો પાસેથી પણ રૂપિયા પડાવ્યા હશે. જેથી પોલીસે આરોપીના લોકેશન મેળવી તે અમદાવાદના કયા કયા વિસ્તારમાં ફરતો હતો તે જાણવા કાર્યવાહી શરૂ કરી છે.. જેથી કરી અન્ય કોઈ લોકો પાસેથી તેને રૂપિયા પડાવે છે કે કેમ તે જાણી વધુ કાર્યવાહી કરી શકાય.

  • Follow us on: