પંજાબના બટાલા ખાતેના સેખવાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ચર્ચાસ્પદ ફાયરિંગ કેસમાં વોન્ટેડ મુખ્ય આરોપી સુખપિન્દર સિંહ ઉર્ફે સુખીને ગુજરાત ATS (ATS) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાત ATS ને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી પાલનપુર વિસ્તારમાં છુપાયો છે. બાતમીના આધારે પોલીસે પાલનપુરની હોટલ સુંદરા ખાતે વોચ ગોઠવીને સુખપિન્દર સિંહને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો અને તેને વધુ તપાસ અર્થે અમદાવાદ ATS કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો.
જગુ ભગવાનપુરિયા ગેંગ સાથે કનેક્શન
ATS ની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપી સુખપિન્દર સિંહ કુખ્યાત 'જગુ ભગવાનપુરિયા ગેંગ' સાથે સંકળાયેલો છે. આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે 20 જુલાઈ 2026ના રોજ પોતાના સાગરીતો સાથે મળીને બટાલામાં લાયસન્સવાળી 30-06 રાઇફલથી ફાયરિંગ કર્યું હતું, જે હથિયાર તેણે પોતાના સગાને સોંપી દીધું હતું. ફાયરિંગની ઘટના બાદ તે પંજાબથી ભાગીને હરિયાણા, દિલ્હી, હૈદરાબાદ અને નાંદેડ થઈને આશરો લેવા માટે પાલનપુર પહોંચ્યો હતો.
