અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો કેસ મોટો ખુલાસો થયો છે, મૃતક વિદ્યાર્થી નયનના પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, લોહીની બે મુખ્ય નળીઓ પેટમાં કપાઇ હતી અને શરીરમાં લોહી પહોંચાડતી નળીઓ કપાતા મોત થયું છે, વિદ્યાર્થીને પેટ ઘા વાગતા લોહી જમા થયુ હતુ અને અઢી લીટર જેટલું લોહી પેટમાં જ જમા થઇ ગયુ હતું, સાથે સાથે આંતરડામાં 4 કાણાં પડ્યા હતા અને પેટ બહાર 1.5 સેમીનો ઘા પડ્યો હતો તેવું પીએમ રીપોર્ટમાં સામે આવ્યું છે.
પોલીસના મતે હત્યાનું મુખ્ય કારણ શું હતું ?
એસીપી કૃણાલ દેસાઇએ જણાવ્યુ કે, ગત.૧૩ ઑગસ્ટે મૃતક નયનના પિતરાઇ ભાઇ સ્કૂલમાં પગથીયા ઉતરી રહ્યો હતો તેણે પાછળથી ધક્કો વાગતા તેનો હાથ હત્યા કરનાર મુખ્ય વિદ્યાર્થીને અથડાયો હતો. જે બાદ મુખ્ય વિદ્યાર્થીએ બોલાચાલી કરી હતી પરંતુ ત્યારે સમગ્ર મામલો થાળે પડી ગયો હતો ગત.૧૯ ઑગસ્ટે નયને તુ કેમ મારા પિતરાઇ ભાઇ સાથે બોલાચાલી કરતા હતો તેમ મુખ્ય વિદ્યાર્થીને પૂછી રહ્યો હતો ત્યારે તેનો મિત્ર ત્યાં આવી જઇને કેમ દાદાગીરી કરે છે તેમ કહીને કિચન કટર કાઢીને નયનના પેટમાં મારીને ચાવીની જેમ ફેરવીને કટર કાઢીને નાસી ગયા હતા.
સ્કૂલમાં અંદરોઅંદર જ મોટો જૂથવાદ ચાલી રહ્યો હતો
સેવન્થ ડે સ્કુલમાં અંદરોઅંદર વિદ્યાર્થીઓમાં જૂથવાદ ચાલી રહ્યો હતો અને અવાર નવાર કોઇને કોઇ મુદ્દે બોલાચાલી થતી હતી. જ્યારે મોટી બબાલ થાય ત્યારે સમગ્ર મામલે પ્રિન્સિપાલ તેમજ શિક્ષકો પાસે પહોંચતો ત્યારે અંદરોઅંદર માફીપત્ર લખાવીને સમાધાન કરાવી લેતા હતા. આવી જ રીતે, આ બે વિદ્યાર્થી અને નયન વચ્ચે પણ બબાલ થઇ પરંતુ સમાધાનને બદલે સમગ્ર મામલો હત્યામાં પરિણમ્યો હતો.
લોહી વધુ ન વહે તે માટે નયન ઇજા પર રૂમાલ મૂકી કેમ્પસમાં બેસી રહ્યો
ક્રાઇમ બ્રાન્ચે સ્કૂલ કેમ્પસના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ કરતા સામે આવ્યું કે, ઈજાગ્રસ્ત વિદ્યાર્થી કેમ્પસમાં આવ્યો અને ૩૦ મિનિટ સુધી ઓટલા પર બેસી રહ્યો. સ્કૂલના સિક્યુરિટી ગાર્ડ, શિક્ષકોએ હોસ્પિટલ લઈ જવાને બદલે તમાશો જોતા રહ્યા. શુક્રવારે ક્રાઈમ બ્રાન્ચ બન્ને સગીરને જૂવેનાઈલ હોમમાં લઈ જશે. હત્યાકાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે પ્રિન્સિપાલ, શિક્ષકો, સિક્યુરિટી ગાર્ડ સહિત ૧૫ જેટલા વ્યકિતઓના ૮ કલાક સુધી નિવેદન નોંધ્યા હતા. સેવન્થ ડે સ્કૂલના બે વિદ્યાર્થીઓએ ધક્કામુકી જેવી બાબતમાં વિદ્યાર્થી નયનના પેટમાં નાનું કટર મારીને આંતરડા બહાર કાઢીને નાસી ગયા હતા. આ બાદ નયને લોહી વધુ ન વહે તે માટે ઇજા પર હાથ રૂમાલ મૂકીને સ્કૂલ કેમ્પસમાં એન્ટ્રી પોઇન્ટ પર બેસી ગયો. બીજી તરફ, મુખ્ય સગીરની પૂછપરછમાં તેણે કબુલાત કરી કે, તેણે ૧૫ દિવસ પહેલા એક સ્ટેશનરીની દુકાનથી નાનું કટર ખરિધું હતું અને તેનાથી જ નયનની હત્યા કરી હતી.









