અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન એક આધેડનું મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં અને પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. મૃતક વ્યક્તિની ઓળખ અહેમદ અંસારી તરીકે થઈ છે, જેમને પોલીસે પોક્સો (POCSO) એક્ટ હેઠળ નોંધાયેલી એક ગંભીર ફરિયાદના અનુસંધાનમાં પૂછપરછ માટે અટકાયતમાં લીધા હતા. આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
પૂછપરછ દરમિયાન ખેંચ આવતા હોસ્પિટલ ખસેડાયા
મળતી માહિતી મુજબ, ગુરુવારે સાંજે બાપુનગર પોલીસ સ્ટેશનમાં અહેમદ અંસારી સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો, જે સંદર્ભે પોલીસ તેમની સઘન પૂછપરછ કરી રહી હતી. પૂછપરછની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન અચાનક આધેડની તબિયત લથડી હતી અને તેમને ખેંચ (મૂર્છા) આવી ગઈ હતી. સ્થિતિ ગંભીર જણાતાં પોલીસે તુરંત જ તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
