અમદાવાદના નરોડા વિસ્તારમાં બનેલા ચર્ચાસ્પદ ડિમોલેશન મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને AMC તંત્ર દ્વારા નરોડા પોલીસ સ્ટેશન ખાતે વિધિવત રીતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોર્પોરેશનના આકરા વલણને કારણે સમગ્ર વિસ્તારમાં અને સ્થાનિક વેપારીઓમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
AMCના ખોટા નામનો ઉપયોગ
પોલીસ ફરિયાદ મુજબ, આ કેસમાં રાજેશ યાદવ અને કમલ પમલાની નામના બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ દરમિયાન એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ બંને આરોપીઓ સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. આરોપીઓએ કોર્પોરેશનની છબી ખરડાય તે રીતે AMCના ખોટા નામનો દુરુપયોગ કરીને ડિમોલેશનની કામગીરી પાર પાડી હતી. હાલમાં નરોડા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
