અમદાવાદમાં ગુનાખોરી બેફામ પણે વધી રહી છે. સરકાર અને પોલીસના સબ સલામતના દાવા વચ્ચે અમદાવાદના રામોલના લૂંટ અને અપહરણ કેસના આરોપીએ PIની રિવૉલ્વર ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીને રામોલથી ક્રાઈમ બ્રાંચ લઈ જતી વખતે પોલીસ અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હતી. પોલીસે બચાવમાં આરોપીના પગમાં ફાયરીંગ કર્યું હતું.


ક્રાઈમ બ્રાંચના પીઆઈની રીવોલ્વર ઝૂંટવી લીધી

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના રામોલ વિસ્તારમાં સંગ્રામસિંહ નામના આરોપીએ તેના સાગરિતો દ્વારા વટવાના જમીન દલાલનું અપહરણ કરી 52 લાખની ખંડણી વસૂલી હતી. ખંડણીની રકમ લઈને તે ફરાર થઈ ગયો હતો. રામોલ પોલીસે આરોપી સંગ્રામસિંહની ગણતરીના કલાકોમાં અટકાયત કરી લીધી હતી. ગઈકાલે રાત્રે ક્રાઈમ બ્રાંચની ટીમ આરોપીની કસ્ટડી માટે રામોલ પોલીસ સ્ટેશનમા ગઈ હતી. તેને ત્યાંથી ક્રાઈમ બ્રાંચ લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે પોલીસની ગાડીમાં જ આરોપીએ ક્રાઈમ બ્રાંચના પીઆઈની રીવોલ્વર ઝૂંટવી લીધી હતી.

એક અધિકારીએ પોતાની રિવોલ્વરથી આરોપીના પગમાં ફાયર કર્યું

પોલીસ પર હુમલાનો પ્રયાસ કરતાં અન્ય એક અધિકારીએ પોતાની રિવોલ્વરથી આરોપીના પગમાં ફાયર કર્યું હતું. ગોળી વાગતાં જ આરોપી ઈજા થતાં ઢળી પડ્યો હતો. તેને પોલીસના બંદોબસ્ત વચ્ચે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આરોપી સામે નવથી વધુ ગુના નોંધાયા છે. આરોપી વિરુદ્ધ પોલીસ પર હુમલો અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવશે.આરોપી હત્યાના અનેક બનાવોમાં સંડોવાયેલો છે.


  • Follow us on: