સમગ્ર રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત કરવાના હેતુથી પ્રદેશ કોંગ્રેસમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. 

ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદે રણદીપ સુરજેવાલાની નિમણૂક 

કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદે રણદીપ સુરજેવાલાની નિમણૂક કરવામાં આવી છે અને તેમને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે સંગઠનમાં વ્યાપક ફેરબદલ કરતા ગુજરાતથી લઈને પંજાબ સુધીના પ્રદેશ પ્રભારી બદલ્યા છે. આ ફેરબદલ હેઠળ રણદીપ સુરજેવાલાને ગુજરાતના પ્રભારી બનાવાયા છે, જ્યારે સચિન પાયલટને પંજાબની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત ભૂપેશ બઘેલને પંજાબથી હટાવીને અસમ અને સુખદેવ ભગતને છત્તીસગઢના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે મુકુલ વાસનિક હતા

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે મુકુલ વાસનિક પોતાની સેવાઓ આપી રહ્યા હતા. જોકે, ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાઈકમાન્ડે આ મોટો બદલાવ કરવાનો નિર્ણય લીધો છે. રણદીપ સુરજેવાલા કોંગ્રેસના અનુભવી અને સિનિયર નેતા છે, તેથી તેમની નિમણૂકથી રાજ્યમાં પાર્ટીના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાત કોંગ્રેસની ચૂંટણી વ્યૂહરચના 

વિધાનસભા ચૂંટણી પૂર્વે હાથ ધરવામાં આવેલા આ સંગઠનાત્મક ફેરફારથી ગુજરાત કોંગ્રેસની ચૂંટણી વ્યૂહરચના વધુ મજબૂત બનશે તેમ માનવામાં આવી રહ્યું છે. નવા પ્રભારી તરીકે રણદીપ સુરજેવાલા ટૂંક સમયમાં જ ગુજરાતની મુલાકાત લઈને પ્રદેશ નેતાઓ અને કાર્યકરો સાથે બેઠકોનો દોર શરૂ કરશે.  

રણદીપ સુરજેવાલાને વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી

બ્રિફિંગમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે રણદીપ સુરજેવાલા કર્ણાટકના પ્રભારી મહાસચિવની જવાબદારી પણ સંભાળશે. વધુમાં, શ્રી મુકુલ વાસનિક એઆઈસીસીના મહાસચિવ તરીકે ચાલુ રહેશે.

પાર્ટીએ વિદાય લેતા પ્રભારીઓની પ્રશંસા કરી

પાર્ટીએ વધુમાં જણાવ્યું હતું કે તે વિદાય લેતા મહાસચિવ પ્રભારીઓ, જેમાં જીતેન્દ્ર સિંહ, રમેશ ચેન્નીથલા અને મણિકમ ટાગોરનો સમાવેશ થાય છે, તેમના યોગદાનની પ્રશંસા કરે છે. આ ફેરફારો દ્વારા, કોંગ્રેસે રાજ્યોમાં સંગઠનાત્મક જવાબદારીઓ વહેંચી દીધી છે. પ્રેસ રિલીઝ પર સંગઠનાત્મક મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બધી નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં મૂકવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.


આ પણ વાંચો  :     Surat : રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષની બાળકીનું મોત, તપાસનો રિપોર્ટ આવતા કેસમાં આવ્યો ચોંકાવનારો વળાંક