અમદાવાદના સરખેજ વિસ્તારમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે મોટો દરોડો પાડ્યો છે. સ્થાનિક સરખેજ પોલીસ ઊંઘતી ઝડપાતા ઉચ્ચ એજન્સીએ આ આકરી કાર્યવાહી પાર પાડી હતી. દરોડા દરમિયાન ટીમે સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર ઓપરેશનમાં કુલ રૂ. 19.73 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
1110 લીટર દેશી દારૂ મળ્યો
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સરખેજમાં પાડેલા દરોડા દરમિયાન મોટા પાયે દેશી દારૂનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. આ દરોડામાં 1110 લીટર દેશી દારૂ તેમજ 6500 લીટર દારૂ ગાળવાનો વોશ મળી આવ્યો હતો. આ ઉપરાંત દારૂના ગેરકાયદે વેપારમાં ઉપયોગમાં લેવાતા બે વાહનો અને પાંચ મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા હતા. આ તમામ ચીજવસ્તુઓ મળીને કુલ રૂ. 19.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આટલો મોટો દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આગળ કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
ત્રણ આરોપીઓને ઝડપી લીધા
આ ઓપરેશન દરમિયાન ટીમે રણવીરસિંહ પરમાર, ઈતેશામઅલી ઉર્ફે બાબુલ ઉમરાવઅલી સૈયદ અને પ્રવીણ દિનેશભાઈ તલપડા નામના ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. આ કેસમાં વધવાડીના દીપક, વિશાલભાઈ, યોગેશભાઈ, પીપલજના શકરી દોશી, નારોલની ટીની લંગડી, વાસણાના હસમુખ લંગડો, સરખેજના સોહિલ, વેજલપુરના કિશન પટની તેમજ ભાગી ગયેલા અન્ય ત્રણથી ચાર અજાણ્યા સહિત કુલ 12 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
સ્થાનિક પોલીસ ઊંઘતી રહી
સરખેજ પોલીસની હદમાં આટલો મોટો અડ્ડો ચાલતો હોવા છતાં સ્થાનિક પોલીસ ઊંઘતી રહી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલના સફળ દરોડા બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાને પગલે સરખેજ પીઆઇ અને સ્થાનિક પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. હાલ આ સમગ્ર મામલે સરખેજ પોલીસ મથકમાં પ્રોહીબિશન હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Delhi: "તમને સિસ્ટમ પર શંકા છે કે પરિણામો પર?" ચૂંટણી પંચના સમર્થનમાં 124 પૂર્વ IAS-IFS અધિકારીઓનો ખુલ્લો પત્ર