અમદાવાદ શહેરમાં સ્થાનિક પ્રશાસન અને તંત્રની ગંભીર બેદરકારીના કારણે વધુ એક માસૂમ બાળકીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. વર્ષોથી આખો રસ્તો અત્યંત જોખમી સ્થિતિમાં હોવા છતાં અને રોડ સાઈડમાં અનેક ડ્રેનેજ કનેક્શનો ખુલ્લાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ આગોતરી કામગીરી કરવામાં આવી નહોતી. બેખબર અને બેદરકાર તંત્રની આ ભુલના કારણે એક નિષ્પાપ બાળકી કાળનો કોળિયો બની ગઈ છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને તંત્ર સામે ભારે જનઆક્રોશ વ્યાપી ગયો છે.

પહેલાં બેરીકેટ્સ હોત તો જીવ બચી ગયો હોત

સ્થાનિક રહીશો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જો તંત્રએ સમયસર જોખમી રસ્તા પર બેરીકેટ્સ કે ચેતવણીના બોર્ડ મૂક્યા હોત તો આ કાળજાંપાન કોરાવતી ઘટનાને રોકી શકાઈ હોત. માસૂમ બાળકીના મોત બાદ આખરે 6ઠ્ઠા દિવસે નિદ્રાધીન તંત્ર સફાળું જાગ્યું છે. બાળકીનો જીવ ગયા પછી હવે તંત્ર દ્વારા ઘટનાસ્થળે સાવધાની દર્શાવતા બોર્ડ મારવામાં આવ્યા છે. વહીવટી તંત્રની આ મોડી જાગેલી નીતિ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

કાગળ પરની સલામતી અને જમીની હકીકત

બાળકીના મોત બાદ તંત્રએ પોતાની ચામડી બચાવવા માટે ઘટનાસ્થળે દોડધામ શરૂ કરી દીધી છે. ઘટના બન્યા પછી હવે રસ્તા પરથી માટી હટાવવાની તેમજ રોડ સાઈડમાં ખુલ્લા પડેલા ડ્રેનેજના કનેક્શનો પર ઢાંકણાં લગાડવાની કામગીરી ઉતાવળે હાથ ધરવામાં આવી છે. નાગરિકો હવે સીધો સવાલ પૂછી રહ્યા છે કે શું તંત્ર કોઈનો જીવ જાય ત્યાં સુધી જ રાહ જોતું રહે છે? જો આ કામગીરી પહેલાં કરી દેવામાં આવી હોત, તો આજે એક પરિવારની લાડકવાયી દીકરી તેમની સાથે હોત.

આ પણ વાંચો : Ahmedabad News : ઈસ્કોનથી સાણંદ સર્કલ સુધી સિગ્નલફ્રી સફર, 2.5 લાખ વાહનચાલકોને ટ્રાફિકના ઝંઝટમાંથી મળશે મુક્તિ...!