અમદાવાદના થલતેજ વિસ્તારમાં થલતેજ મેટ્રો સ્ટેશન નજીક આવેલી શક્તિ 140 ફ્લેટમાં એક કરુણ ઘટના સામે આવી છે. 26 વર્ષીય યુવતીએ રાત્રિના સમયે બિલ્ડિંગના 11મા માળે આવેલી અગાશી પરથી કૂદીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. યુવતી બેઝમેન્ટ પાર્કિંગ તરફના ભાગે પટકાતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
યુવતી માતા પિતા સાથે રહેતી હતી
મળતી વિગતો મુજબ, યુવતી શક્તિ 140 ફ્લેટના A બ્લોકમાં પોતાના માતા-પિતા અને બહેન સાથે રહેતી હતી. રાત્રિના સમયે તેણે અગાશી પરથી કૂદકો મારતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સોસાયટીના રહીશો અને આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.
પોલીસ સ્થળ પર પહોંચી
ઘટનાની જાણ થતાં બોડકદેવ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કર્યા બાદ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ ઉપરાંત પોલીસ દ્વારા પરિવારના સભ્યોના નિવેદનો પણ લેવામાં આવ્યા છે.
યુવતી માનસિક બિમારીની દવા લેતી હતી
પોલીસને પરિવાર દ્વારા મૃતક યુવતીની મેડિકલ ફાઈલ પણ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં યુવતી માનસિક બીમારી સંબંધિત સારવાર અને દવા લેતી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ માનસિક બીમારીને કારણે યુવતીએ આ પગલું ભર્યું હોઈ શકે છે.
કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી
ઘટનાસ્થળેથી યુવતી પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. જેના કારણે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે બોડકદેવ પોલીસે તપાસ વધુ તેજ કરી છે. પરિવારના સભ્યોના નિવેદન, મેડિકલ વિગતો અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Surat નજીક વંદે ભારત પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ