દિલ્હી બ્લાસ્ટ ઘટનાની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. દિલ્હીમાં બ્લાસ્ટ દરમિયાન વાહન ઓળખવામાં પડેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે મહત્વપૂર્ણ પગલાં લીધા છે અને સમગ્ર શહેરના ગેરેજ, વાહન સર્વિસ સ્ટેશનો તથા વર્કશોપોને નવા નિયમોનું પાલન કરવાનો આદેશ આપ્યો છે.

ગેરેજ અને વર્કશોપ માટે ફરજિયાત ડેટા મેન્ટેનન્સ

અમદાવાદ પોલીસે બહાર પાડેલા પરિપત્ર મુજબ હવે શહેરના તમામ ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશનોએ રજીસ્ટરમાં વાહન માલિકની સંપૂર્ણ વિગતો લખવી ફરજિયાત છે તથા વાહન મુકવા આવનાર વ્યક્તિની ઓળખની વિગતો રાખવી ફરજિયાત રહેશે

 ગેરેજમાં સીસી ટીવી પણ લગાડવાના રહેશે

ગેરેજમાં સર્વિસ માટે આવતા દરેક વાહનના આવવા-જવાના રેકોર્ડની એન્ટ્રી રાખવાની રહેશે. ઉપરાંત ગેરેજમાં સીસી ટીવી પણ લગાડવાના રહેશે. સીસીટીવીનું રેકોર્ડીંગ 30 દિવસ રાખવાનું રહેશે.

દિલ્હી બ્લાસ્ટમાંથી મળેલી શીખ

દિલ્હી બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સીઓને મોટી મુશ્કેલી પડી હતી, કારણ કે બ્લાસ્ટમાં વપરાયેલી ગાડી 20થી વધુ જગ્યાએ વેચાઈ હતી અને ગાડી વેચાણ અંગે કોઈ સત્તાવાર એન્ટ્રી અથવા રેકોર્ડ બનાવાયો નહોતો. આથી વાહન ટ્રેકિંગ, માલિકોની ઓળખ અને પુરાવા એકત્ર કરવામાં ઘણો સમય ગયો હતો.

અમદાવાદ પોલીસે તાત્કાલિક પરિપત્ર જાહેર કર્યો

આ જ પ્રકારની તકલીફો ટાળવા માટે અમદાવાદ પોલીસે તરત જ પરિપત્ર બહાર પાડ્યો છે અને તમામ ગેરેજ અને વર્કશોપોને નિયમોનું કડક પાલન કરવાનું સૂચન આપ્યું છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આવા નિયમો શહેરની સુરક્ષા સિસ્ટમને મજબૂત બનાવશે.

 પોલીસ ડ્રાઇવ કરીને ગેરેજોમાં ચેક કરશે

અમદાવાદ શહેર સેક્ટર 1 જેસીપી નિરવ બડગુજરે કહ્યું હતું કે ગુનેગારો વાહનોને મોડીફાઇડ કરે છે કાં તો વેચી દે છે. આવા ગુનેગારો વાહનો સર્વિસ સ્ટેશન કે વર્કશોપમાં મુકી દે છે તેને રોકવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. રીપેરીંગ કે સર્વિસ માટે વાહનોનું રજીસ્ટર નિભાવવાનું રહેશે તથા સીસી ટીવી લગાડવાના રહેશે. રેકોર્ડીંગ 30 દિવસનું કરવાનું રહેશે. પોલીસ ડ્રાઇવ કરીને ગેરેજોમાં ચેક કરશે.