અમદાવાદ શહેરમાં બેફામ બનેલા વાહનચાલકોનો આતંક યથાવત છે, ત્યારે વટવા બીબી તળાવ પાસે વધુ એક સનસનાટીભરી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારના ચાલકે રસ્તો ઓળંગી રહેલા એક અજાણ્યા વૃદ્ધને જોરદાર અડફેટે લીધા હતા. આટલેથી ન અટકતા, નિર્દય ચાલકે અકસ્માત સર્જાયા બાદ પણ કાર ઊભી રાખવાને બદલે વૃદ્ધ પર ગાડી ચડાવી દઈ ત્યાંથી હંકારી મૂકી હતી.

વૃદ્ધનું કરુણ મોત 

અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં સ્કોર્પિયો ચાલક નબીરો પોતાની કાર સાથે સ્થળ પરથી રફુચક્કર થઈ ગયો હતો. બનાવ અંગે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

બેફામ સ્કોર્પિયો ચાલકની શોધખોળ 

પોલીસે મૃતક વૃદ્ધના મૃતેદહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી બેફામ સ્કોર્પિયો ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે. અકસ્માત સર્જી માનવતા નેવે મૂકી ફરાર થયેલા કાર ચાલકને ઝડપી પાડવા સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 


આ પણ વાંચો  : Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?