અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટની ટીમે મોટી કાર્યવાહી કરી છે. શારજાહથી એર અરેબિયાની ફ્લાઇટ નંબર G9-418 મારફતે 16 ઓગસ્ટે અમદાવાદ પહોંચેલા બે મુસાફરોને શંકાના આધારે અટકાવવામાં આવ્યા હતા. પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે કસ્ટમ્સ ટીમે એક મહિલા અને એક પુરુષ મુસાફરની સઘન તપાસ હાથ ધરી હતી.
મહિલા મુસાફરના પર્સ અને કપડાંમાંથી સોનું મળ્યું
તપાસ દરમિયાન મહિલા મુસાફર પાસેથી 24 કેરેટ અને 18 કેરેટનું કુલ 219.43 ગ્રામ સોનું મળી આવ્યું હતું. આ જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત રૂ.28,87,473 અંકાયી છે. મહિલાએ કસ્ટમ્સની નજરથી બચવા માટે સોનાના દાગીના પર્સમાં તેમજ કપડાંની નીચે શરીર પર છુપાવ્યા હતા. જપ્ત કરવામાં આવેલા સોનામાં બ્રેસલેટ, બંગડી, નેકલેસ, ચેઇન, પાયલ અને કાનની બુટ્ટીઓનો સમાવેશ થાય છે. જેમાં 24 કેરેટનું 70.18 ગ્રામ અને 18 કેરેટનું 149.25 ગ્રામ સોનું હતું.


