અમદાવાદના પશ્ચિમ વિસ્તારના હબ ગણાતા આનંદનગરમાંથી હાઈ-પ્રોફાઇલ બ્રાન્ડેડ કપડાંના ડુપ્લીકેટ કૌભાંડનો પર્દાફાશ થતાં વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે જે બ્રાન્ડના શર્ટ કે ટી-શર્ટ શો-રૂમમાં હજારો રૂપિયામાં મળતા હોય છે, તેવી વિશ્વપ્રસિદ્ધ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સના લોગો લગાવીને સસ્તા અને નકલી કપડાં ઊંચા ભાવે વેચવાનું એક મોટું નેટવર્ક આનંદનગર વિસ્તારમાં ધમધમી રહ્યું હોવાની ચોક્કસ બાતમી એન્ફોર્સમેન્ટ ટીમને મળી હતી. જે ઊંડાણપૂર્વકની તપાસ બાદ પોલીસે આ રેડ ઓપરેશન પાર પાડ્યું છે.
બ્રાન્ડેડ કંપનીઓની નકલ
આનંદનગરમાં આવેલા 'TCF' એટલે કે 'ધ ક્લોસેટ ફેશન' નામના શો-રૂમમાં ઇન્ટરનેશનલ કંપનીઓની નકલી પ્રોડક્ટ્સનું મોટું કલેક્શન ગ્રાહકોને અસલી કહીને પધરાવવામાં આવતું હતું. કંપનીઓની સત્તાવાર એન્ફોર્સમેન્ટ વિંગ અને સ્થાનિક પોલીસે સંયુક્ત પ્લાનિંગ કરીને આ શો-રૂમ પર ઓચિંતી રેડ પાડી હતી. રેડ દરમિયાન શો-રૂમના કાઉન્ટર અને ગોડાઉનમાંથી 'પોલો રાલ્ફલોરેન' બોસ' (Hugo Boss), 'ગેન્ટ' (Gant), 'લેકોસ્ટે' અને 'બર્બેરી'જેવી વૈશ્વિક બ્રાન્ડના ડુપ્લીકેટ લોગો વાળા કપડાંનો મોટો જથ્થો લાઈવ પકડાયો હતો.










