અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી જાણીતી મની એક્સચેન્જ કંપની 'EbixCash World Money Limited' સાથે રૂ. 40.08 લાખની મોટી છેતરપિંડીનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારી દેવેન્દ્રસિંહ ગોહિલ સામે કંપની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ આચરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપી કર્મચારીએ વિવિધ કોર્પોરેટ કંપનીઓના નામે ખોટી રીતે વિદેશી કરન્સી મેળવીને પોતાની જ કંપનીને મોટો આર્થિક ફટકો માર્યો છે.
બોગસ KYC અને 16 ફેક ઈનવોઈસથી આચરાઈ ઠગાઈ
આ સમગ્ર કૌભાંડ ઓક્ટોબર 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન આચરવામાં આવ્યું હતું. આરોપી દેવેન્દ્રસિંહ ગોહિલે એવી વ્યક્તિઓના નામે KYC દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેઓ વાસ્તવમાં સંબંધિત કોર્પોરેટ કંપનીઓમાં નોકરી કરતા જ નહોતા. આ બોગસ દસ્તાવેજોના આધારે તેણે અલગ-અલગ કંપનીઓના નામે 16 જેટલા ઈનવોઈસ પ્રોસેસ કરાવીને રૂ. 40,08,941 ની કિંમતની વિદેશી કરન્સી મેળવી લીધી હતી.
