ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં એક ચોંકાવનારો કૌભાંડ સામે આવ્યો છે, જેમાં રાજકીય પક્ષના નામે કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવી રહી હતી. 'આમ જનમત પાર્ટી' નામના પક્ષના આડમાં ચાલી રહેલા આ મોટા આર્થિક કૌભાંડનો ગુજરાત CID ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ કૌભાંડનો આંકડો રૂ. 843 કરોડથી વધુ હોવાનું બહાર આવ્યું છે.

CID ક્રાઈમની મોટી કાર્યવાહી, મુખ્ય બે આરોપીઓની ધરપકડ

બોગસ પોલિટિકલ ફંડના આ નેટવર્કને તોડી પાડવા માટે CID ક્રાઈમે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ચોક્કસ બાતમી અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ કૌભાંડમાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓ ગૌરવ મિશ્રા અને ધર્મેન્દ્ર વૈષ્ણવની ધરપકડ કરી છે. બંને આરોપીઓની અટકાયત કરીને તેમની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

દાનની રકમમાંથી કમિશન રાખી બાકીના નાણાં પરત કરી દેવાની મોડસ ઓપરેન્ડી

આરોપીઓ દ્વારા આચરવામાં આવેલા આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ચાલાકીપૂર્વકની હતી. 'આમ જનમત પાર્ટી'ના નામે દાતા પાસેથી રાજકીય દાન પેટે રકમ મેળવવામાં આવતી હતી. ત્યારબાદ તે દાનની રકમમાંથી પોતાનું કમિશન કાપી લઈને બાકીની રકમ અન્ય માધ્યમોથી પરત કરી દેવામાં આવતી હતી. આ રીતે ટેક્સ બચાવવા કે મની લોન્ડરિંગના હેતુથી કાળુ નાણું સફેદ કરવાનો ખેલ ખેલાઈ રહ્યો હોવાની આશંકા છે.

Ahmedabad News: CID Crime Unearths Rs 843 Crore Bogus Political Fund Scam

કૌભાંડના ઊંડાણ સુધી પહોંચવા CID ક્રાઈમે તપાસ તેજ કરી

રૂ. 843 કરોડથી પણ વધુની માતબર રકમનું કૌભાંડ હોવાથી CID ક્રાઈમે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો, બિઝનેસમેનો કે સંસ્થાઓ સંડોવાયેલી છે તથા આ નાણાં ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, તે દિશામાં પોલીસે પૂછપરછ અને બેંક એકાઉન્ટ્સની ચકાસણી તેજ કરી દીધી છે.


આ પણ વાંચો: Ahmedabad News : બળી ગયેલું તેલ, હાનિકારક કલર અને ગંદકી, દાણીલીમડાના ગૃહ ઉદ્યોગ પર AMCની તવાઈ