અમદાવાદમાં ક્રિપ્ટોકરન્સીના નામે વધુ એક મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વેપારીને વિદેશ પ્રવાસ અને લક્ઝરી કાર જેવી ભેટની લાલચ આપીને ₹2.05 કરોડનું રોકાણ કરાવી છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે અમદાવાદની આર્થિક ગુના શાખા (EOW) એ નાગપુરના ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. નાના ચિલોડા વિસ્તારના ફરિયાદી બન્ટી સાંગતાનીએ આ અંગે EOWમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, નાગપુરના જય કકવાણી, નામદેવ મિરાણી, નીખિલ તવલે અને સંજય હેમરાણી નામના ચાર આરોપીઓએ તેમની સાથે છેતરપિંડી કરી છે.


અમદાવાદમાં 2.05 કરોડની ક્રિપ્ટો છેતરપિંડીની ફરિયાદ

આરોપીઓએ ફરિયાદીને "ડોક્સી" (Doxey) નામની ક્રિપ્ટોકરન્સી કંપનીમાં રોકાણ કરાવ્યું હતું. રોકાણ માટે લોભામણી સ્કીમો અને જાહેરાતો આપવામાં આવી હતી. આરોપીઓએ વેપારીને ક્રિપ્ટોમાં રોકાણ કરવા બદલ વિદેશ પ્રવાસના પેકેજ અને લક્ઝરી કાર જેવી મોંઘી ભેટો આપવાની લાલચ આપી હતી, જેનાથી પ્રેરાઈને વેપારીએ વિશાળ રકમનું રોકાણ કર્યું હતું. વેપારીએ કુલ ₹2.05 કરોડનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં, આરોપીઓએ ઓનલાઈન પ્લેટફોર્મ પર રોકાણ પર સારો નફો દર્શાવ્યો હતો, પરંતુ જ્યારે વેપારીએ પોતાના પૈસા પાછા વિડ્રોલ (withdrawal) કરવા માંગ્યા, ત્યારે તે શક્ય બન્યું નહોતું. આરોપીઓએ માત્ર ₹13.19 લાખ જેટલી જ રકમ પરત કરી હતી.

 નાગપુરના 4 સામે ફરિયાદ નોંધી

બાકીની રકમ માટે જ્યારે વેપારીએ દબાણ કર્યું, ત્યારે આરોપીઓએ "કંપનીના સર્વરમાં ટેક્નિકલ ભૂલ" હોવાનું બહાનું બતાવીને ખોટા વાયદા કર્યા હતા અને બાકીના પૈસા પરત આપ્યા નહોતા. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા, બન્ટી સાંગતાનીએ અમદાવાદ EOWમાં ફરિયાદ નોંધાવી હતી. EOWએ આ સમગ્ર પ્રકરણમાં નાગપુરના ચારેય આરોપીઓ સામે ગુનો નોંધીને કેસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ કેસ ક્રિપ્ટોકરન્સીમાં લોભામણી સ્કીમોના નામે થતી છેતરપિંડીઓ સામે નાગરિકોને સાવધ રહેવાનો સંદેશ આપે છે.

  • Follow us on: