સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરીને મોટી સફળતા મેળવી છે. સીબીઆઈની ટીમે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ના બે સિનિયર એન્જિનિયરોને લાંચ લેવાના કેસમાં રંગેહાથ ઝડપી પાડ્યા છે. ભોપાલ ખાતે ફરજ બજાવતા ચીફ એન્જિનિયર અને સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે.

પેન્ડિંગ બિલ પાસ કરવા માગી હતી રૂ. 4 લાખની લાંચ

મળતી વિગતો અનુસાર, જબલપુરની એક ખાનગી એજન્સી/ફર્મના કુલ 14 જેટલા કામોના બિલ BSNL કચેરી ખાતે પેન્ડિંગ પડ્યા હતા. આ પેન્ડિંગ બિલો મંજૂર કરવા અને નાણાં ચૂકવવાના બદલામાં BSNL ના બંને ભ્રષ્ટ અધિકારીઓએ પ્રતિ વ્યક્તિ રૂ. 2 લાખ લેખે કુલ રૂ. 4 લાખની લાંચની માંગણી કરી હતી. આ અંગે ફર્મના સંચાલકે CBI સમક્ષ સત્તાવાર કમ્પ્લેઈન નોંધાવી હતી.

રૂ. 75-75 હજારની લાંચ સ્વીકારતા જ CBI ની ટ્રેપ સફળ

ફરિયાદના આધારે CBI એ છટકું ગોઠવ્યું હતું. ભોપાલ ખાતે જ્યારે બંને અધિકારીઓ ફરિયાદી પાસેથી પ્રથમ હપ્તા પેટે રૂ. 75,000 - 75,000 (કુલ રૂ. 1.50 લાખ) ની રોકડ લાંચ સ્વીકારી રહ્યા હતા, ત્યારે જ CBI ની ટીમે ત્રાટકીને બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.

ભોપાલ, લખનૌ અને કાનપુરમાં CBI નું સર્ચ ઓપરેશન

બંને અધિકારીઓની ધરપકડ બાદ CBI એ આક્રમક તપાસ હાથ ધરી છે. આરોપી અધિકારીઓના ભોપાલ, લખનૌ અને કાનપુર ખાતે આવેલા નિવાસસ્થાનો અને ઓફિસો પર એકસાથે દરોડા પાડીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ સર્ચ દરમિયાન બેનામી સંપત્તિ, મહત્વના દસ્તાવેજો અને અન્ય ગેરકાયદેસર વ્યવહારો મળી આવવાની શક્યતા સેવાઈ રહી છે. CBI આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.


આ પણ વાંચો - 28 August Top News: રક્ષાબંધનના પર્વ સાથે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો દેશ-દુનિયાની મોટી ઘટનાઓ