ગુજરાતમાં સાયબર ઠગાઈના વધતા જતા બનાવો વચ્ચે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા એક ખૂબ જ મોટું પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યમાં સાયબર ઠગ્સ દ્વારા આચરવામાં આવેલા રૂ. 11.42 કરોડના ચકચારી ડિજિટલ અરેસ્ટ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. CBIએ આ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જેમાં હિમાન્શુ પ્રસાદ અને યુનિસ બિસ્વાસના નામ સામે આવ્યા છે. આ બંને આરોપીઓ દ્વારા ગુનાખોરી આચરીને ગેરકાયદેસર રીતે રૂ. 2.5 કરોડની જંગી રકમ મેળવવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
10 રાજ્યોમાં 22 સ્થળોએ સઘન તપાસ
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય તપાસ એજન્સી CBI દ્વારા દેશના કુલ 10 રાજ્યોમાં 22 સ્થળોએ એકસાથે સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ વ્યાપક સર્ચ ઓપરેશન દરમિયાન એજન્સી દ્વારા અનેક મહત્વપૂર્ણ બેન્ક દસ્તાવેજો તેમજ ડિજિટલ ડિવાઇસ જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આ કૌભાંડકારો દ્વારા હેક્સાક્વેસ્ટ ગ્લોબલ (Hexaquest Global) ના બેન્ક એકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કરીને છેતરપિંડીના નાણાં અન્ય અલગ-અલગ ખાતાઓમાં સહીસલામત રીતે ટ્રાન્સફર કરવામાં આવતા હતા.
