અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ઈ-મેઈલ સ્પુફિંગ ગેંગ સામે કડક કાર્યવાહી કરીને મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આરોપીઓએ ઈ-મેઈલ સ્પુફિંગ મારફતે કંપનીના પેમેન્ટ સંબંધિત સંવાદમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને માયા એગ્રોવેટ લિમિટેડ સાથે મોટી સાયબર છેતરપિંડી આચરી હતી. છેતરપિંડી કરવા માટે ગેંગે યસ બેંકના નામે બનાવટી લેટરપેડ, એકાઉન્ટ વિગતો તેમજ નકલી સહી-સિક્કાનો ઉપયોગ કરીને વિશ્વાસ કેળવ્યો હતો અને રૂ.6.55 લાખની રકમ અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.

ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સથી મુંબઈમાં દરોડા

સાયબર ફ્રોડની ફરિયાદ બાદ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે સઘન તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી આંતરરાજ્ય ગેંગના મૂળ સુધી પહોંચ્યા બાદ પોલીસે મુંબઈથી 4 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ છેતરપિંડી માટે બેંક ખાતા પૂરા પાડવા, ફ્રોડના રૂપિયા ઉપાડવા અને તેના બદલામાં કમીશન મેળવવાની ભૂમિકા ભજવતા હતા.

સહઆરોપીઓની સંડોવણી અંગે વધુ તપાસ જારી

આંતરરાજ્ય સાયબર નેટવર્કના અન્ય સૂત્રધારો અને સહઆરોપીઓની સંડોવણી અંગે હાલ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નાણાકીય વ્યવહારો અને ડિજિટલ પુરાવાઓના આધારે ગેંગ દ્વારા અગાઉ આચરાયેલા અન્ય સંભવિત ફ્રોડ અંગે પણ વિગતો મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે, જેથી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઈ શકે અને ભોગ બનનાર કંપનીને ન્યાય અપાવી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો