દેશભરમાં હાહાકાર મચાવનારા ‘ડિજિટલ એરેસ્ટ’ કૌભાંડ સામે કેન્દ્રીય તપાસ એજન્સી CBI દ્વારા દેશવ્યાપી મોટું આક્રમક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ‘ઓપરેશન ચક્ર’ હેઠળ સીબીઆઈએ દેશના 20 જેટલા રાજ્યોમાં 89 સ્થળોએ એકસાથે દરોડા પાડીને સાયબર માફિયાઓ સામે મોટો સપાટો બોલાવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કૌભાંડના મુખ્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ઠગ ટોળકીના સભ્યો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સ્વાંગ રચીને નિર્દોષ નાગરિકોને ડિજિટલ અરેસ્ટમાં ફસાવીને કરોડો રૂપિયા તારવી લેતા હતા.
ગુજરાતમાં રૂ.19.24 કરોડ સહિત 3 કેસમાં કરોડોની લૂંટનો ખુલાસો
દરોડા દરમિયાન ડિજિટલ અરેસ્ટના ત્રણ મોટા અને ગંભીર કેસોમાં સીબીઆઈએ સઘન તપાસ હાથ ધરી છે. જેમાં ગુજરાતના એક કિસ્સામાં પીડિતને સતત ત્રણ મહિના સુધી આભાસી રીતે ડિજિટલ અરેસ્ટ રાખીને રૂ.19.24 કરોડની માતબર રકમ પડાવી લેવાઈ હતી. આ ઉપરાંત BITS પિલાણીના કેસમાં પણ પીડિતને ત્રણ મહિના સુધી અરેસ્ટ રાખી રૂ.7.67 કરોડ અને કર્ણાટકના કેસમાં રૂ.15.45 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. તપાસ દરમિયાન હરિયાણાના આકાશે રૂ.1.95 કરોડ અને કોલકાતાના રાજા કામારકરે રૂ.1.50 કરોડ મેળવ્યા હોવાનું ખુલ્લું પડી ગયું છે, જ્યારે જ્યોતિ રાણી નામની મહિલા આ નાણાં મેળવી અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરતી હતી.
