ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા દેશવ્યાપી ઓપરેશન હાથ ધરી સોનાની દાણચોરી કરતા એક મોટા સંગઠિત સિન્ડિકેટનો ભાંડો ફોડવામાં આવ્યો છે.આ મેગા કાર્યવાહીમાં DRIએ આશરે 15 કિલો સોનું અને 45 કિલો ચાંદી જપ્ત કરી છે.જેની બજાર કિંમત અંદાજે 23 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.


મુંબઈમાં મોટું નેટવર્ક ઝડપાયું

DRIને મળેલી બાતમીના આધારે મુંબઈ એરપોર્ટ પર કાર્યરત એક સંગઠિત રેકેટનો પર્દાફાશ થયો છે.એજન્સીએ અહીં એક ગુપ્ત મેલ્ટિંગ યુનિટ શોધી કાઢ્યું હતું.જ્યાં દાણચોરીના સોનાને પ્રોસેસ કરવામાં આવતું હતું.આ કેસમાં એરપોર્ટ સ્ટાફ, હેન્ડલર્સ, મધ્યસ્થીઓ અને યુનિટના સંચાલકો સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 6 કિલો વિદેશી સોનું જપ્ત કરાયું છે. બેંગલુરુ એરપોર્ટ પર એક મુસાફરના કપડાંમાં પેસ્ટ સ્વરૂપે છુપાવેલું 1.8 કિલો 24 કેરેટ સોનું ઝડપાયું હતું.ત્યારબાદ આરોપીના ઘરે દરોડા પાડીને વધારાનું 1.5 કિલો સોનાના દાગીના,45 કિલો ચાંદી તેમજ ભારતીય અને વિદેશી ચલણ કબજે કરાયું હતું.

આંતરરાષ્ટ્રીય કનેક્શન સુધી પહોંચવા માટે સઘન તપાસ

આ ઉપરાંત, હૈદરાબાદ, રાજકોટ, કાલિકટ, વિશાખાપટ્ટનમ, ગુવાહાટી અને પેટ્રાપોલ જેવા વિવિધ શહેરોમાં પણ DRIએ દરોડા પાડી વધુ 6 કિલો વિદેશી સોનું જપ્ત કરી 5 આરોપીઓને ઝડપી લીધા છે.સમગ્ર દેશમાં એકસાથે હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં જપ્ત કરવામાં આવેલું 15 કિલો સોનું અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ દાણચોરીના વિશાળ નેટવર્કનો પુરાવો આપે છે. DRIના અધિકારીઓ હવે આ તમામ ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરીને આ નેટવર્કના મુખ્ય સૂત્રધાર અને તેના આંતરરાષ્ટ્રીય કનેક્શન સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહ્યા છે.આ ઓપરેશનને ડ્રગ્સ અને સોનાની દાણચોરી સામેની લડાઈમાં એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Surat News : રેલવે સ્ટેશન પર DRIએ 20 કરોડનું કોકેઈન પકડ્યું, એક શખ્સની ધરપકડ



  • Follow us on: