દેશભરમાં ગેરકાયદેસર રીતે ધમધમતા ઓનલાઈન સટ્ટાબાજી અને બેટિંગ કૌભાંડો સામે કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા સકંજો વધુ કડક કરવામાં આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા APX નામના ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ મારફતે આચરવામાં આવેલા કરોડો રૂપિયાના કૌભાંડમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં સંડોવાયેલા સગર દાશ નામના આરોપીની ED દ્વારા સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ આરોપીને સક્ષમ PMLA કોર્ટ માં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં અદાલતે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી કૌભાંડના ઊંડાણ સુધી પહોંચી શકાય.
બનાવટી દસ્તાવેજોથી ક્રિપ્ટો ખાતાં ખોલાવ્યા
તપાસ દરમિયાન ED ની ટીમે ચોંકાવનારી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ દ્વારા સામાન્ય નાગરિકોના નામે મ્યુલ બેંક એકાઉન્ટ (Mule Bank Accounts) ખોલાવીને તેમાં ગેરકાયદે બેટિંગના નાણાં ફેરવવામાં આવતા હતા. આ કાળા નાણાંને સફેદ કરવા અથવા છુપાવવા માટે અનેક શેલ કંપનીઓમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. માત્ર એટલું જ નહીં, પરંતુ પોલીસ અને તપાસ એજન્સીઓની નજરથી બચવા માટે બનાવટી દસ્તાવેજોના આધારે ક્રિપ્ટો કરન્સી ખાતાંઓ (Crypto Accounts) પણ ખોલાવવામાં આવ્યા હતા, જેના દ્વારા હંડાથી નાણાંની હેરાફેરી થતી હતી.
