નહેરુનગર બસ સ્ટેન્ડ પાછળ આવેલી કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન ખાલી કરાવવાના મામલે જાહેરમાં ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણની ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.કોર્ટ નોંધ્યું હતું કે આરોપી સામેના આક્ષેપો ગંભીર છે.તેઓએ ફરિયાદીને એવી ધમકી આપી હતી કે તેમના પિતા પિસ્તોલ લઈને આવી રહ્યા છે. જે સ્પષ્ટ કરે છે કે તેઓ પોતાના પિતાના કૃત્ય અને હથિયાર લાવવા અંગે અગાઉથી પૂરેપૂરા માહિતગાર હતા.
અશોકસિંહ ચૌહાણે જામીન મેળવવા માટે અરજી કરી
કોર્ટે કહ્યું હતું કે, ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખતાં જામીન આપી શકાય નહીં.હવે આરોપી ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરશે.આરોપી પૂર્વ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે જામીન મેળવવા માટે અરજી કરીને કોર્ટને જણાવ્યું હતું કે,આ સમગ્ર મામલો જમીન વિવાદને લગતો છે અને આરોપી સંપૂર્ણપણે નિર્દોષ છે.નહેરુનગર જમીન વિવાદ કેસમાં ફાયરિંગ દરમિયાન કોઈને ઈજા થઈ નથી અને એફએસએલ રિપોર્ટ કે ભૌતિક પુરાવાઓથી બુલેટની દિશા કે ટ્રેજેક્ટરી સાબિત થતી નથી.વધુમાં,ચાર્જશીટ રજૂ થઈ ચૂકી છે અને કેસ અદાલતમાં પેન્ડિંગ હોવાથી જેલ એ અપવાદ અને જામીન એ નિયમ હેઠળ આરોપીને જામીન આપવા જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી.
