અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા સ્કાય વ્યૂ ખાતે ફટાકડા ફોડવા બાબતે થયેલી તકરાર અને હુમલાના કેસમાં પોલીસે ચારેય આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. એન ડિવિઝન એસીપી એસ.એમ.પટેલે કહ્યું હતું કે, સાયન્સ સિટી રોડ પર આવેલા સ્કાય વ્યૂમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા શખ્સોએ 20થી 25 લોકોને બોલાવીને ધોકા અને લાકડીઓ વડે હુમલો કરી તોડફોડ કરી હતી અને ફરિયાદી જીગરભાઈ સહિત 5 થી 6 લોકોને માર માર્યો હતો જેમાં જીગરભાઈને 12 ટાંકા આવ્યા હતા.
પરવાનાવાળી પિસ્તોલમાંથી 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ
આ મામલે કુલ 14 લોકો વિરુદ્ધ રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે.જેમાંથી કેટલાક સગીરો સહિત 7 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને આ આરોપીઓ હીરાબાગ, ઘાટલોડિયા વિસ્તારના છે.અગાઉ બનાવના બે દિવસ પહેલાં પણ ફટાકડા ફોડવા બાબતે ના પાડવામાં આવી હોવાની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો અને બચાવમાં રાકેશ પટેલે પોતાની પરવાનાવાળી પિસ્તોલમાંથી 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.પોલીસે આરોપી મિત દેસાઈ,દક્ષ દેસાઈ,મિલન રબારી અને રગ્નેશ રબારીની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે આ બનાવ કેવી રીતે બન્યો તેની તપાસ શરૂ કરી છે.
